• શનિવાર, 19 જુલાઈ, 2025

કચ્છમાં બે દિવસ મધ્યમ ભારે વરસાદની આગાહી

ભુજ, તા. 18 : કચ્છમાં છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમનો ટ્રફ ગુજરાત સુધી લંબાતાં તેની અસર તળે શનિ અને રવિ એમ બે દિવસ કચ્છના કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદી વિરામ વચ્ચે ગરમી-ઊકળાટની સ્થિતિ યથાવત્ રહી હતી. રાજ્યમાં વરસાદનો મિની રાઉન્ડ આવે તેવાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોનાં અનુમાન વચ્ચે કચ્છમાં વાદળોની આવન-જાવન જોવા મળી હતી. હવામાન વિભાગે જારી કરેલાં સાત દિવસનાં પૂર્વાનુમાનમાં શનિ અને રવિવારે કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.  હવામાન વિભાગે શનિવારના એક દિવસ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે. દરમિયાન વરસાદના વિરામનો માહોલ યથાવત્ રહેતાં ગરમી ઊકળાટનો અનુભવ કચ્છીમાડુઓએ કર્યો હતો. અંજાર-ગાંધીધામમાં 3પ.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતાં રાજ્યમાં સર્વાધીક ગરમી અહીં અનુભવાઈ હતી. આ તરફ જિલ્લામથક ભુજમાં પણ બે દિવસથી સ્થિર રહેલો પારો થોડો ઊંચો ચડી 34.9 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યમાં ભુજ ત્રીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. લઘુતમ તાપમાન પણ સામાન્યથી વધુ નોંધાતાં રાત્રિના સમયે ઊકળાટ અનુભવાયો હતો.  

Panchang

dd