• શનિવાર, 19 જુલાઈ, 2025

ચૂંટણી `શુદ્ધ' હોવી જોઈએ

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : ફમહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં મતદારોની સંખ્યામાં વધારો થયો, તેમાં રાહુલ ગાંધીને ખોટી `ગરબડ'ની શંકા છે અને બિહારમાં મતદારોની યાદીની ઘનિષ્ટ તપાસ થઈ તેની સામે પણ વાંધા - વિરોધ થયા છે - યાદીની ચકાસણી થાય તે સામે વિરોધ શા માટે ? ચૂંટણી પ્રક્રિયામાં સુધારા થાય તેનો જ વિરોધ છે. હવે ફરીથી મતપત્રકો - બેલટ પેપરની માગણી થઈ રહી છે. બિહારમાં વિરોધ છતાં ફેરતપાસ લગભગ પૂરી થઈ છે અને બાંગલાદેશી, પાકિસ્તાની મતદારોનાં નામ રદ કરવામાં આવ્યાં છે. આવાં નામ ઉમેર્યાં કોણે ? આ પ્રશ્ન અને ફરિયાદ જૂની છે. આસામમાં ફખરુદ્દીન અલીઅહમદ મુખ્યપ્રધાન હતા ત્યારે તત્કાલીન પૂર્વ પાકિસ્તાનીઓની ઘૂસણખોરી થઈ હતી અને મતદાતાનાં ઓળખપત્રો પણ અપાયાં હતાં! ચૂંટણીપંચના વડા - કમિશનર કહે છે કે, `લોકતંત્રમાં ચૂંટણી `શુદ્ધ' પવિત્ર હોવી જોઈએ અને તેથી વખતોવખત મતદારોની યાદી તપાસીને સુધારવામાં આવે છે.' આ શુદ્ધીકરણ સામે વાંધો - વિરોધ કોને હોય ? જેઓ નકલી મતદારો ઉપર આધાર રાખતા હોય. બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મતદારોની યાદીની ચકાસણી થઈ રહી છે તે બાબત વિવાદ શરૂ થયો છે. આમ પણ બિહારમાં ચૂંટણીના સમયે વિખવાદ અને `જંગલરાજ' સામાન્ય રીતે નક્કી જ હોય છે. આ વખતે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન - જઈંછ  ફરિયાદ શરૂ થતાં જ વિપક્ષોએ ઊહાપોહ મચાવ્યો. સુપ્રીમ કોર્ટમાં અરજી, ફરિયાદ થઈ કે આ ચકાસણી, મતદારયાદીની ફેરતપાસ બંધ કરો, અટકાવો. પણ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંવિધાનમાં ચૂંટણીપંચને પૂર્ણ સત્તા છે તેથી અટકાવી શકાય નહીં. હવે આ મહિનાની આખરમાં ચુકાદો આવે તે પછી પણ કાનૂની વિવાદ - રાજકારણમાં ચાલુ જ રહેશે. ચૂંટણી પ્રચારમાં અને ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી પણ રાજકારણ ચાલુ જ રહેશે. અત્યારે મુખ્ય પ્રશ્ન મતદારયાદીનો છે અને આવી ફેરતપાસ બિહાર પછી બંગાળ અને સમસ્ત દેશમાં થશે એવી જાહેરાત પણ અપેક્ષા મુજબ થઈ છે. ઈન્ટેન્સિવ ફેરતપાસ એટલે મતદારયાદીઓ સંપૂર્ણ નવેસરથી તૈયાર થાય. રાજ્યમાં ઘેર - ઘેર ફરીને જાતતપાસ થાય અને તે માટે અત્યારની યાદીનો સંદર્ભ લેવાની જરૂર નથી. જૂનાં નામ, ખોટાં નામ રદ થાય. અત્યારે જે રહેવાસીઓ વિદ્યમાન હોય તેમનાં નામ જ યાદીમાં હોવાં જોઈએ. સંવિધાનની કલમ 326 અનુસાર માત્ર ભારતીય નાગરિકો જ વોટ આપી શકે. જેમની વય 18 વર્ષથી ઓછી હોય નહીં અને માનસિક અસ્થિરતા હોય નહીં, અપરાધી અથવા ગેરકાનૂની પ્રવૃત્તિમાં હોય નહીં તેવા નાગરિકોને મતાધિકાર છે. વર્તમાન ચૂંટણીપંચના વડા - કમિશનર જ્ઞાનેષકુમાર કહે છે, `લોકતંત્રને મજબૂત બનાવવા માટે મતદારોની શુદ્ધ યાદી અનિવાર્ય છે.' વિપક્ષોએ વિરોધ કર્યો હોવા છતાં રાષ્ટ્રીય જનતા દળે 47,504 બૂથ લેવલ એજન્ટો નિમ્યા છે. ભાજપે 52,689 અને જનતા દળ (યુ)એ 34,669, કોંગ્રેસે 8586 નિમ્યા છે. આ રાજકીય એજન્ટો લોકોને મતદારયાદીમાં નામ દાખલ કરવામાં મદદ કરે છે. ચૂંટણીપંચે પણ ચાર લાખ સ્વયંસેવકો રાખ્યા છે, જેઓ વયોવૃદ્ધ તથા અશક્ત લોકોને મદદ કરી રહ્યા છે. ચૂંટણીપંચે રહેઠાણ, જન્મતારીખ વગેરે માહિતી માગતા પત્રકો રાખ્યા છે. વિપક્ષોની ફરિયાદ હતી છે કે ચૂંટણી માથાં ઉપર ગાજે છે, ત્યારે ફેરતપાસ માટે પૂરતો સમય નથી, પણ ચૂંટણીપંચે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સમયસર પ્રક્રિયા પૂરી થશે. વચગાળાના હુકમમાં સુપ્રીમ કોર્ટે પંચને સૂચન કર્યું કે આધારકાર્ડ પણ વય અને રહેઠાણ માટે પુરાવારૂપે સ્વીકારી શકાય. આ પહેલાં ચૂંટણીપંચે આધારકાર્ડનો સ્વીકાર કર્યો નહીં, કારણ કે આધારકાર્ડનાં કૌભાંડ સરકાર અને પોલીસ તંત્ર પણ જાણે છે. નકલી આધારકાર્ડના એજન્ટો પકડાયા પણ છે. આવી ફેરતપાસની શરૂઆત બિહારથી શા માટે થઈ ? એવો  પ્રશ્ન પુછાય છે, પણ હકીકત છે કે લાખ્ખો બિહારીઓ રોજી - રોટી માટે શિક્ષણ માટે બિહારથી બહાર - અન્ય રાજ્યોમાં ગયા છે, છતાં એમનાં નામ - સરનામાં જૂનાં પત્રકોમાં યથાવત્ છે, તે રદ થવાં જોઈએ, જેથી એમનાં નામનો દુરુપયોગ થાય નહીં, નકલી વોટરકાર્ડ - ડુપ્લિકેટ નામે વપરાય નહીં. મહત્ત્વની બાબત એ છે કે ચૂંટણી પ્રક્રિયા અને સાધનો - શાહીથી લઈને વોટિંગ મશીનો સામે `ગોલમાલ'ની ફરિયાદો થઈ છે અને ખોટી સાબિત થઈ છે. હવે તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મતદાતા અને મતદાનની સંખ્યા વિશે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ શંકા દર્શાવીને ફરિયાદ કર્યા કરીને રાજકીય મુદ્દો બનાવ્યો છે. તે જોતાં ચૂંટણીપંચની પ્રક્રિયા પ્રામાણિક, પારદર્શી છે એવી ખાતરી થાય છે. ચૂંટણીપંચે એવી સ્પષ્ટતા - ખાતરી પણ આપી છે કે બિહારના જે લોકો નોકરી - ધંધા, રોજી - રોટી કે શિક્ષણ માટે બહાર ગયા છે, એમનાં નામ 2023ની મતદારયાદીમાં હોય તો એમણે નવાં ફોર્મ - પત્રને ભરવામાં પૂર્વજોના પુરાવા આપવાની જરૂર નથી. હવે ઘનિષ્ટ ફેરતપાસ પછી નવી  મતદાર કાચી - યાદી -નો મુસદ્દો પહેલી ઓગસ્ટે જાહેરમાં મૂકવામાં આવશે અને ત્યારે જે નામ રદ થયાં હશે તેમનો રાજકીય વિવાદ નવેસરથી શરૂ થશે અને ચૂંટણીનો મુદ્દો બનશે. આ સંદર્ભમાં નોંધપાત્ર બાબત એ છે કે સામાન્ય રીતે મતદારોની સંખ્યામાં દર વર્ષે દોઢથી બે કરોડનો સરેરાશ વધારો થાય છે, પણ વર્ષ 2023માં 18 લાખનો ઘટાડો થયો હતો. વર્ષ 2022માં 95.46 કરોડ મતદારો નોંધાયા હતા, જે ઘટીને 95.24 કરોડ થયા હતા ! જાન્યુઆરી - 2024માં ફરીથી 96.97 કરોડ હતા. આ ઘટાડો કેવી રીતે થયો ? ચૂંટણીપંચનાં સોફ્ટવેર ઊછઘગઊઝ દ્વારા ડુપ્લિકેટ અને ખોટાં નામ વીણી કાઢવામાં આવ્યાં હતાં. આ સોફ્ટવેરમાં ભારતની 14 ભાષા અને મતદારોના ફોટા - કાર્ડ છે. બિહાર પછી બંગાળમાં ઘનિષ્ટ ચકાસણી શરૂ થશે અને સમસ્ત ભારતમાં - બિહારના અનુભવ પછી - નાગરિકોના વડીલો - પૂર્વજો તથા રહેઠાણ અંગેના બદલાયેલા નિયમો અમલમાં આવશે. ભારતનાં ચૂંટણીપંચ અને તંત્રની સફળતા અને નિષ્પક્ષતાની નોંધ લોકશાહી વિશ્વમાં લેવાય છે. ચૂંટણી સામે ફરિયાદો તો અમેરિકા અને ફ્રાન્સ - જર્મનીમાં પણ થાય છે ! ભારતમાં પણ ચૂંટણીનું રાજકારણ છે, છતાં 1977માં ભારતનાં લોકતંત્રની સફળતા સૌએ જોઈ છે ! ભારતમાં પ્રથમ ચૂંટણી 1952માં થઈ હતી તેની રસપ્રદ વાત છે : આઝાદીની પૂર્વસંધ્યાએ - જુલાઈ - 1947માં સંવિધાન સભાએ ઠરાવ પસાર કરીને એકવીસ વર્ષની વયના દરેક નાગરિકને મતાધિકાર આપવાની ઘોષણા કરી હતી અને માર્ચ - 1947માં દરેક રાજ્યને મતદારયાદીઓ તૈયાર કરવા જણાવાયું. મતદાર ક્ષેત્રો નક્કી થયાં ન હતાં, તેથી ગ્રામ્ય વિસ્તારોમાં ગામદીઠ ચૂંટણી ક્ષેત્ર નક્કી થયાં અને મતદારયાદી તૈયાર કરવા માટે ઘેર - ઘેર મુલાકાત લેવામાં આવી. જે યાદીઓ તૈયાર થઈ તેમાં મતદારનું નામ, વડીલ - માતા-પિતા અથવા પતિનું નામ, સરનામું, સ્ત્રી કે પુરુષ, વય અને ધર્મનો ઉલ્લેખ હતો, કારણ કે શરૂઆતમાં ખ્રિસ્તી અને મુસ્લિમો માટે અનામત બેઠકો રાખવાનો પ્રસ્તાવ હતો અને આ બેઠકો વર્ગીકૃત જાતિઓની બેઠકોમાં આપવાની હતી, પણ 1949માં સંવિધાન સભાએ આ પ્રસ્તાવ - જોગવાઈ રદ કરી.મતદારયાદી તૈયાર કરવામાં મુખ્ય મુશ્કેલી - પડકાર ભાગલા પછી ભારતમાં આવેલા `િનરાશ્રિતો' રહેઠાણ વગેરેના પુરાવા કેવી રીતે આપી શકે ? આખરે એમ નક્કી થયું કે આવા લોકો માત્ર સાદું નિવેદન આપે કે તેઓ ભારતમાં કાયમી વસવાટ કરવા માગે છે. સંવિધાનમાં નાગરિકતા અને ચૂંટણીપંચ સ્થાપવાનો નિર્ણય 26 નવેમ્બર, 1949માં લેવાયો અને 26મી જાન્યુઆરી, 1950માં સંવિધાન અમલમાં આવ્યું. ચૂંટણીપંચની સ્થાપના 25 જાન્યુઆરી, 1950માં થઈ, ત્યારે પંચના એકમાત્ર સભ્ય સુકુમાર સેન હતા. જનપ્રતિનિધિત્વ ધારો પછી 1950માં અમલમાં આવ્યો તે પછી રાજ્યોને ફરીથી મતદારોની પૂરક યાદી તૈયાર કરવા જણાવાયું. મતદારયાદીઓ તૈયાર કરવામાં એક મુશ્કેલી નડી. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ પોતાનું નામ આપવા તૈયાર ન હતી, તેથી પતિ અને પિતાનાં નામ અપાયાં. ઓગસ્ટ - 1951માં યાદીઓ તૈયાર થઈ ત્યારે 1732 કરોડ મતદાર હતા - ભારતની વસતિ - એકવીસ વર્ષથી વધુ વયના - આશરે 18 કરોડ હતી. કેટલાય વિરોધ, અવરોધ છતાં ચૂંટણીપંચે 1952માં આઝાદ ભારતીય પ્રજાસત્તાકની પ્રથમ ચૂંટણી પાર પાડીને લોકતંત્રનો પાયો મજબૂત કર્યો. 

Panchang

dd