• શનિવાર, 19 જુલાઈ, 2025

અંજાર બાયપાસનું છેલ્લા ચાર મહિનાથી બંધ પડેલું કામ સત્વરે શરૂ કરવા માગણી

અંજાર, તા. 18 : અહીંના સાપેડા-નાગલપર બાયપાસ  માર્ગનું કામ છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં છે, ત્યારે પૂર્વ રાજ્યમંત્રીએ વહીવટી તંત્ર સમક્ષ અટકેલાં કામ સત્વેર શરૂ કરવા રજૂઆત કરી હતી. અંજારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક અને નાયબ કલેક્ટર સમક્ષને રૂબરૂ રજૂઆત કરી હતી. અંજાર-ભુજ-ગાંધીધામ અને મુંદરા માટે આ બાયપાસ ખૂબ જ મહત્ત્વનો છે. માતબર રકમના ખર્ચ નિર્માણ થનારા આ બાયપાસ માર્ગનું કામ ખોરંભે ચડયું છે. પરિવહન ઉદ્યોગકારોને સ્પર્શતા મહત્ત્વના આ મુદ્દે ખૂટતી કડીઓની પૂર્તતા કરીને આ પ્રકલ્પ ઝડપભેર પૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવા અનુરોધ કરાયો હતો. નાયબ કલેક્ટર દ્વારા  હંગામી ધોરણે આઠ દિવસમાં  મોર્ટેબલ રસ્તો શરૂ કરવાની  હૈયાધારણ અપાઈ હતી. આ માર્ગ શરૂ થવાથી અંજાર શહેરની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે. રજૂઆત વેળાએ ડમ્પર એસો.ના રમેશભાઈ કાતરિયા, સાપેડાના પૂર્વ સરપંચ માદેવાભાઈ બરારિયા, રાજેશભાઈ છાંગા સહિતના ઉપસ્થિત રહ્યા  હતા. 

Panchang

dd