ઉમર ખત્રી દ્વારા : મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 18 : નખત્રાણા
તાલુકાના નાની બન્ની - તલ, લૈયારી,
છારી, ફુલાયથી કરીને હાજીપીર, નાના-મોટા લુણા, ભીટારા, બુરકલ
વિસ્તારમાં મોં માગ્યા મીં પડતાં માલધારીઓ કહે છે, વઠા મીં ભલા...
વરસાદ બાદ બન્નીના માલધારીઓના મોઢે વાત સાંભળવા મળી હતી, લૈયારીના
માલધારી અગ્રણી જત ઐયુબ તુરપિયાએ કહ્યું હતું કે, અમારી બન્નીના
માલ અને માલધારી ખુશ છે. કારણ કે, ખુદા માલધારી એંકે આગોતરા મીઠાં
મીં વરસાય. ઐયુબભાઈએ કહ્યું હતું કે, દયાસર, તલગોઠ, નાયારી તળાવો તો અન્ય નાનાં-મોટાં તળાવો 80 ટકા પાણીથી ભરાયાં છે. ઢોલામ
ડેમમાં પણ સારાં પ્રમાણમાં પાણી આવ્યું છે. પક્ષીઓના તીર્થ એવા ઢંઢ ઉપરનો વિસ્તાર 80 ટકા ભરાઈ ગયો છે, એવું કહેતાં પક્ષીપ્રેમી મુતવા મુકીમે કિડા
ડુંગરે લીલી ચાદર ઓઢી છે એમ ઉમેર્યું હતું. નાની બન્ની - ફુલાય પંચાયતમાં આવતાં ગામડાંમાં
કેટલી પોંખ થઈ હતી ? આ અંગે ઐયુબભાઈએ કહ્યું હતું કે,
50 ટકા આ વિસ્તારમાં `પોંખ'
થઈ ગઈ છે. એરંડા, ગુવાર જે વાવણી કરીએ છીએ. માલધારી
દસ હજાર અંદાજિત પશુધન ધરાવતા આ આઠ ગામની બન્નીમાં હાલમાં ભારે વરસાદ બાદ ઘાસ,
પાણી ખાસા નીકળ્યા છે.બન્નીના ઉપલા વિસ્તારમાં આવેલા લુણા, નાના-મોટા, બુરકલ, ભીટારા,
હાજીપીર વિસ્તારના માલધારી અગ્રણી જત સૈયા ઉમરે કહ્યું હતું કે,
અમારા વિસ્તારમાં સરેરાશ 10 ઈંચ વરસાદથી માલધારી અને માલ સાંજના સમયે ઘરે પાછા સીમાડેથી
આવે છે, ત્યારે ખેલધા પેયા અચે... તો હાજીપીરનું સોદ્રાણા
તળાવ પણ છલકાવાની તૈયારીએ છે. બન્નીના ઝાલુ ગામનો કમાડ ડેમ જે ઝાલુ ગામથી દૂર છે,
જે બે કરોડના ખર્ચે બન્યો, જે સારા વરસાદ બાદ છલોછલ
ભરાઈ જતાં નવાં પાણીના સમાચાર આપતા ઉપસરપંચ જત મિસરીએ કહ્યું હતું કે, આ ડેમ થોડો થોડો લીકેજ થાય છે, જે તાત્કાલિક ધોરણે રિપેર
થાય એ જરૂરી છે. નાની સિંચાઈના આ કમાડ ડેમમાં મોટાં પ્રમાણમાં સિંચાઈને કામ આવતો,
પણ આ ડેમની ઓગન પાળ ઊંચી કરાય તો પાણી સંગ્રહશક્તિ વધે. હાલમાં સોથી
સવાસો એકર પિયત આ પાલર પાણીથી સિંચાઈ થશે. તલ-લૈયારી, જતાવીરા
વિસ્તારના ભારે વરસાદે નુકસાન પામેલા રસ્તા રિપેર થઈ રહ્યાનું હમજા જતે કહ્યું હતું.
તો હાજીપીરના મુજાવર ઈસ્માઈલભાઈ, તલના અમીન જત, લૈયારીના ઈભરામ જત, મોતીચુરના સુમરા જત, ફુલાયના મેઠન મુતવા, ઝાલુના ઈબ્રાહિમ જત, ધામાયના ચતુરસિંહ સોઢા, ચરાખડાના કાધુભાઈ સોરા,
છારીના રાહેબ જતે વરસાદની ખુશી વ્યક્ત કરી હતી.