• શનિવાર, 19 જુલાઈ, 2025

ગાંધીધામમાં માસીનાં ઘરમાં ઘૂસી ભાણેજે 7.25 લાખના દાગીના તફડાવ્યા

ગાંધીધામ, તા. 18 : શહેરની કે.ડી.એલ.બી. કોલોનીમાં માસીનાં ઘરમાં ઘૂસી તિજોરીમાંથી રૂા. 7,25,000ના દાગીના તફડાવી જનારા ભાણેજ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરની કે.ડી.એલ.બી. કોલોનીમાં આવેલાં મકાન નંબર 178માં ગત તા. 4/8/ 2024થી 19/8/2024 દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો, જેની ફરિયાદ છેક 11 મહિના બાદ પોલીસના ચોપડે ચડી હતી. અહીં રહેતા અને ડી.પી.એ.માં નોકરી કરતા રામબાબુ ચવાકુલા અને ફરિયાદી એવા તેમનાં પત્ની વિજયકુમારી ગત તા. 4/8/2024ના વ્યવહારિક કામ અર્થે વતન આંધ્રપ્રદેશ ગયા હતા, ત્યારે તેમણે પોતાનાં પુત્રવધૂ અને દીકરીના દાગીના તિજોરીમાં મૂકી ચાવી એક રૂમમાં થેલામાં મૂકી રાખી હતી, ત્યાંથી પરત આવ્યા બાદ દાગીનાની જરૂરિયાત ઊભી થતાં તિજોરી ખોલવા જતાં તિજોરીનું પતરું ઉપરથી વળી ગયેલું અને તેમાં થોડી જગ્યા જણાઇ હતી. તિજોરીમાં અમુક દાગીના હતા, જ્યારે સોનાની મોટી ચેઇન નંગ ત્રણ, સોનાની નાની ચેઇન નંગ બે, સોનાનું બ્રેસલેટ, સોનાની લેડિઝ રિંગ નંગ પાંચ, સોનાની બોટઝ રિંગ નંગ બે, સોનાની કાનની બૂટી જોડી નંગ બે, સોનાનો એક મોટો નેકલેસ, સાડા 14 તોલાના દાગીના કિંમત રૂા. 7,25,000ની મતાની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદીના બહેન જયલક્ષ્મીનો દીકરો પ્રકાશ નાનપણથી તેમના ઘરે રહી ધો. 10 સુધી અહીં જ અભ્યાસ કરતો હતો. બાદમાં પોતાની બહેનના ઘરે કિડાણા રહેવા ગયો'તો, તે વારંવાર ફરિયાદીના ઘરે આવતો-જતો હતો. અચાનક તે તા. 18/8/2024ના આંધ્રપ્રદેશ ચાલ્યો જતાં અને પિતા બીમાર હોવાનું કહ્યું હતું, પરંતુ ફરિયાદીએ તપાસ કરતાં તેના પિતા બીમાર ન હોવાનું અને તેના ઉપર લેણું થઇ ગયું હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સે ગમે ત્યારે તિજોરી ખોલી તેમાંથી દાગીના તફડાવી લીધા હતા, તેની વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd