• શુક્રવાર, 18 જુલાઈ, 2025

અમેરિકામાં વ્યાપક છટણી

વિશ્વની સૌથી જૂની અને મજબૂત લોકશાહી ધરાવતા અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વહીવટતંત્રમાં  મોટાપાયે છટણી શરૂ કરી છે, તેની સાથોસાથ પોતાના ટેકેદારોની સામેના કેસ પરત લેવાનું શરૂ કર્યું છે. અમેરિકાના રાજકારણ અને વહીવટતંત્ર માટે રાષ્ટ્રપતિનાં આ પગલાંએ ભારે ચર્ચા અને ચકચાર જગાવ્યા છે. ટ્રમ્પે પોતાના ટીકાકારોને નિશાન બનાવવાનું પણ શરૂ કરીને ભલભલાના શ્વાસ અદ્ધર કરી મૂક્યા છે. રાજકીય બદલાની જણાતી આ કાર્યવાહીમાં સંખ્યાબંધ લોકોએ તેમની સરકારી નોકરી ગુમાવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ જે રીતે વિદેશ વિભાગ અને ન્યાયતંત્રના કર્મચારીઓની સામે વ્યાપક છટણીનાં પગલાં લેવાં શરૂ કર્યાં છે તેનાથી સરકારી માળખાંમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગયા સપ્તાહે વિદેશ વિભાગના 1300 કર્મચારીને એકસાથે પાણીચું આપી દેવાયું હતું.  આ વિભાગમાંથી હાંકી કઢાયેલા કર્મચારીઓની સંખ્યા 3000 કરતાં વધી ગઈ છે. આવી જ હાલત ન્યાયપાલિકાની છે.ત્યાં છટણી કરાયેલા કર્મચારીઓની સંખ્યામાં લગભગ 20 કર્મીનો ઉમેરો થયો છે. ન્યાયતંત્રના હાંકી કઢાયેલા કર્મચારીઓમાં વકીલો, સલામતી કર્મીઓ અને અન્યોનો સમાવેશ થાય છે.  કર્મચારીઓને હાંકી કાઢવાનાં પગલાં ઉપરાંત ટ્રમ્પે 2021માં અમેરિકાના કેપિટલ હિલ પર હુમલામાં સંડોવાયેલા પોતાના 100થી વધુ ટેકેદારન માફી બક્ષી દીધી છે. 2020ની ચૂંટણીમાં ટ્રમ્પના પરાજયથી તેમના ટેકેદારોએ આ ધમાલ મચાવીને અમેરિકા અને દુનિયાને આંચકો આપ્યો હતો. હવે આ તોફાનને રાજકીય વિરોધ ગણાવીને તેમણે તોફાનીઓને માફી આપી દેતાં ભારે નારાજગી જાગી છે. આ ઓછું હોય તેમ ટ્રમ્પે તોફાનીઓની સામે તપાસ કરનાર કે તેમની સામે પગલાં લેનારા અધિકારીઓને સજા કરીને પોતાની સત્તાનો વરવો પરચો આપ્યો છે.   હાલત એવી છે કે, ટ્રમ્પ પોતાની ટીકા કે નિર્ણયમાં અસંમતિની કોઈ પણ શક્યતાને સ્વીકારી શકે તેમ નથી. આવી અસંમતિ વ્યક્ત કરતાં કે ટીકા કરતાં તેમના વિરોધી રાજકીય પક્ષ ડેમોક્રેટિક પાર્ટી શાસિત રાજ્યોમાં હવે ટ્રમ્પે કાર્યવાહી શરૂ કરી છે. મીનેસોટા પ્રાંતમાં કરાયેલી ભરતીની પ્રક્રિયા સામે તપાસ શરૂ કરાઈ છે. ટ્રમ્પ વહીવટતંત્ર આ રાજ્યની પાછળ પડી ગયું હોય એ સ્પષ્ટ જણાય છે. મૂળ કારણ એમ કહેવાય છે કે, ગયાં વર્ષે ચૂંટણીમાં મીનેસોટાના ગવર્નર ટીમ વાલ્ઝ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીના દાવેદાર હતા અને ખાસ તો ટ્રમ્પના આકરા ટીકાકાર રહ્યા છે. આ ઓછું હોય તેમ ટ્રમ્પ વહીવટતંત્રે હાર્વર્ડ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીની સામે નિયંત્રણોની હારમાળા લાદીને આ સંસ્થાને પોતાના કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. આ પગલાંથી દુનિયાભરમાં અમેરિકા અને ટ્રમ્પ બન્નેની નામના બગડી છે.  હાલે અમેરિકાની પાયાની નીતિઓની સામે મોરચો ખોલીને વ્યાપક પગલાં લઈ રહેલા ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટનાં નામે જે રીતે આડેધડ નિર્ણયો લેવા શરૂ કર્યા છે તે અમેકાને પાછળ ધકેલી શકે તેવા બની શકે છે.   

Panchang

dd