દેશના સૌથી વધારે સ્વચ્છ શહેરોમાં ગુજરાતના સુરત અને અમદાવાદના
પણ નામો જાહેર થયાં છે. આ સર્વેક્ષણ કે તેના તારણ આમ તો સ્વચ્છતા માટે સીધા ઉત્તરદાયી
તેવા સ્થાનિક પ્રશાસન અને પ્રજાની સંયુક્ત જવાબદારી કે જાગૃતિનું ગુણપત્રક છે, પ્રમાણપત્ર છે. દેશભરમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં
મધ્યપ્રદેશનું ઈન્દોર આઠમી વાર સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે. સુરત બીજા સ્થાને છે.
દસ લાખથી વધારે વસતી ધરાવતા શહેરોમાં અમદાવાદનો ક્રમ દેશમાં પ્રથમ, ભોપાલ બીજું અને લખનૌ ત્રીજા સ્થાને રહ્યું. વસ્તી અને વિસ્તારમાં મોટા એવા
આ શહેરોમાં સ્વચ્છતાનું સ્તર પણ આ રીતે નોંધપાત્ર છે. ચોમાસામાં જો કે આ નાના નગરોમાં
ફરી ગંદકી વધી છે પરંતુ આ સર્વેક્ષણ તો લાંબા સમયનું પરિણામ છે. રાજકોટ સૌરાષ્ટ્રનું
મુખ્ય અને ગુજરાતના ઝડપથી વિકસી રહેલાં શહેરો પૈકીનું એક છે. અગાઉ તેનો ક્રમ 37મો હતો આ વખતે 19મા ક્રમે છે. સ્વચ્છતા સર્વેક્ષણ શહેરની
સ્વચ્છતા અને સ્વસ્થતા સંદર્ભે અગત્યનું પગલું છે. શહેરોના સંચાલનની સ્થિતિ અને સ્તર
તેને લીધે જાણી શકાય. સ્થાનિક પ્રશાસન શહેર કે નગરને સ્વચ્છ રાખવા શું કરે છે તેનો
તે માપદંડ છે. છેલ્લાં વીસ વર્ષમાં સ્વચ્છતા માટે સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રયાસો નરી આંખે
દેખાય તેવા છે. શેરી કે કોઈ ખૂણે કચરાના ઢગલા થતા તેને બદલે હવે ભીનો અને સૂકો કચરો
અલગ કરીને પ્રત્યેક ઘરેથી તે લેવાની વ્યવસ્થા મોટાં શહેરોમાં છે. કચરામાંથી ખાતર ઉત્પન્ન
કરવાની યોજનાઓ ચાલે છે. આવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. સ્વચ્છતા કે ગંદકી બન્ને માટે
એકલું પ્રશાસન કે ફક્ત પ્રજા જવાબદાર નથી. આટલો બધો કચરો ઉત્પન્ન ક્યાંથી થાય છે?
તંત્ર કચરો ન ઉપાડે, સ્વચ્છતા ન જાળવે તે તેનો
વાંક છે જ સામે જનતાની પણ કેટલીક જવાબદારી છે. પ્રજા ટેક્સ ભરે તેનું વળતર તેને મળવું
જ જોઈએ. પરંતુ ટેક્સ ભરી દીધો એટલે અન્ય કોઈ ઉત્તરદાયિત્વ નથી તેવું જનતાએ ન કરાય,
એટલા માટે ન કરાય કે આખરે સફાઈ કે અન્ય સુવિધા પાછળ જે ખર્ચ થશે તે પ્રજાના
ટેક્સમાંથી થશે. કચરો ઉત્પન્ન જ નહીં થાય તો તે દૂર કરવા માટે નાણા અને શક્તિની જરૂર
ઓછી પડે. સ્વચ્છતા સર્વેક્ષણ અલબત્ત, કોઈ શહેરની સભ્યતા,
નાગરિક ધર્મની ગવાહી પૂરે છે. આવા સર્વેક્ષણ થકી ખબર પડે કે પ્રજા કેટલી
જાગૃત છે અને તંત્ર કેટલું સતર્ક. જે શહેર-નગર આ સર્વેક્ષણમાં ઉમદા દેખાવ કરી શક્યા
છે તેની પ્રજા અને પ્રશાસનની જવાબદારી છે કે આ સ્થિતિ જાળવે અને જેઓ હજી ફાઈવ સ્ટારથી
દૂર છે તેઓ મનોમંથન કરે, શું હજી ખૂટે છે, શું કરી શકાય? તે વિચારીને પોતાના નગર, મહાનગરને સ્વચ્છ બનાવે. સ્વચ્છતા સર્વેક્ષણ ફક્ત સરકારી પ્રવૃત્તિ ન બની રહેવી
જોઈએ, સમાજના અભિગમનો તે અરીસો છે.