ભુજ, તા. 18 : કરોડો રૂપિયાની થાપણો સાથે
એશિયાની સૌથી સમૃદ્ધ પોસ્ટ ઓફિસ પૈકીની એક હોવા છતાં માધાપરની ડાક કચેરી ઓછો સ્ટાફ, સાધનોની અછત જેવા પ્રશ્નોથી પીડાતી હોવાની ફરિયાદ
ઊઠી છે. લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, મોટું કામ હોવા છતાં
આ કચેરીમાં છ પ્લસ એકના મહેકમની સામે ત્રણ પ્લસ એકનો જ સ્ટાફ કામ કરે છે અને ખાસ કરીને
નાની બચતોના વ્યવહારો થાય છે તે એક કાઉન્ટરમાં વાર બહુ લાગે છે, જ્યાં વધુ ઝડપી કામગીરીની લોકોને અપેક્ષા છે. પૈસા ગણવાનું મશીન સાડા ત્રણ
મહિનાથી બગડેલું છે. કેટલાય વર્ષથી ઈન્વર્ટરની બેટરી બગડેલી છે. બહારની તરફ ખાતેદારોને
બેસવા માટે યોગ્ય વ્યવસ્થા નથી. રોજ લાખો રૂપિયાના 700થી 7પ0 જેટલા ટ્રાન્જેક્શનો થતા હોય ત્યારે આવી ઓફિસ પર વિશેષ ધ્યાન
આપવું જોઈએ. આ સંદર્ભમાં પોસ્ટમાસ્તર મનીષાબેન આચાર્યનો સંપર્ક કરતાં તેમણે કહ્યું
હતું કે, પૈસા ગણવાનું મશીન વચ્ચે રિપેર કરાવ્યું હતું
પણ ફરી બગડી ગયું અને હાલમાં જ રાજકોટથી આવેલા કારીગરે તેને સરખું રિપેર કરી દીધું
છે. સ્ટાફ થોડો ઓછો છે પણ એક કર્મચારીને નવા
સોફ્ટવેરની કામગીરી-તાલીમને લઈને ભુજ ઓફિસમાં મોકલાયા છે. બાકી અમે બધા મોડે સુધી બેસીને
પણ બધું કામ સમયસર પૂર્ણ કરી દઈએ છીએ.