ગાંધીધામ, તા. 18 : ભચાઉ તાલુકાના આમરડીમાં વાડીએ
સૂતેલા પોતાના પિતાની કુહાડીના ઘા ઝીંકી હત્યા નીપજાવનારા શખ્સને આજીવન કેદનો ધાક બેસાડતો
ચુકાદો આપવામાં આવ્યો હતો. આમરડીમાં રહેતા રતાભાઇ ઉર્ફે ભીખાભાઇ ગોઠી (પટેલ) અને તેમનો
પુત્ર એવો આરોપી પ્રકાશ વાડીએ કામ કરતા હતા. આ યુવાન કોઇ કામ-ધંધો કરતો ન હોવાથી પિતા
તેને વાડીએ કામ કરવાનું કહેતા હતા. ગત તા. 15/6/2021ના પ્રકાશ વાડીએ હતો ત્યારે પિતા રાત્રે ત્યાં ગયા હતા અને તા.
16/6ના ફરિયાદી એવા પુષ્પાબેન રતા
ગોઠી સવારના ભાગે સીરામણ લઇને વાડીએ ગયા હતા, જ્યાં ખાટલામાં પોતાના પિતા લોહી નીંગળતી હાલતમાં પડયા હોવાનું જણાયું હતું.
પિતાનું માથું કચડાયેલું જોઇને બંને બહેનોએ ભાઇ પ્રકાશને શોધતાં તે ક્યાંય નજરે પડયો
નહોતો. બાદમાં પ્રકાશ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, જે
અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી પુત્રને પકડી પાડયો હતો. તેના વિરુદ્ધ પૂરતા
પુરાવા હોવાથી ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
ફરિયાદ પક્ષે 23 સાહેદને તપાસી
અને 18 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા
હતા. ન્યાયાધીશ અંદલીપ તિવારીએ સાહેદોની જુબાની,
આધાર-પુરાવા અને બંને પક્ષની દલીલો સાંભળીને બાદમાં આ શખ્સને તક્સીરવાન
ઠેરવ્યો હતો અને પ્રકાશને આજીવન કેદ તથા રૂા. 5000નો દંડ ફટકાર્યો હતો તેમજ દંડની
રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો ચુકાદો આપ્યો હતો. આ સમગ્ર કેસ દરમ્યાન પ્રકાશ જેલમાં
રહ્યો હતો. આ કેસમાં સરકાર તરફે ફરિયાદ પક્ષે સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ ઉપસ્થિત રહી
ધારદાર દલીલો કરી હતી.