• શુક્રવાર, 18 જુલાઈ, 2025

નાટોવડાને ભારતનો સજ્જડ જવાબ

નવી દિલ્હી, તા. 17 : રશિયા સાથે વેપારી સંબંધ રાખશે, તો પ્રતિબંધની ધમકી આપનાર `નાટો'ના અધ્યક્ષ માર્ક રૂટને મજબૂત જવાબ આપતાં ભારતે જણાવી દીધું હતું કે, `બેવડો માપદંડ' નહીં ચાલે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતના લોકોની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવી અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે, એ વાત સૌ કોઈ સમજી લે. ભારતીય વિદેશ પ્રવકતાએ `બેવડાં ધોરણો' સામે રૂટને ચેતવણી આપતાં કહ્યું હતું કે, અમે બજારોમાં ઉપલબ્ધ ચીજો અને વૈશ્વિક પરિસ્થિતિઓ જોઈને ફેંસલો લઈએ છીએ. `નાટો'ના વડા માર્કરૂટે રશિયા સાથે વેપારી સંબંધ આપનારા દેશોમાં ખાસ કરીને ભારત, ચીન અને બ્રાઝિલ પર પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી હતી., જેની સામે આજે ભારતે આકરો પલટવાર કર્યો હતો.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે, નાટો પ્રમુખ મુદ્દે અહેવાલો જોયા છે અને ઘટનાક્રમ ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. તેઓ ફરીથી કહેવા માગે છે કે, દેશના લોકોની ઊર્જા જરૂરિયાતોને સુરક્ષિત કરવી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટેનો નિર્ણય બજારમાં શું ઉપલબ્ધ છે અને દુનિયામાં કેવી સ્થિતિ છે તેને ધ્યાને લઈને થાય છે. આવા મામલામાં ખાસ કરીને બેવડાં વલણથી બચવાની સલાહ આપશે.  ઉલ્લેખનીય છે કે, નાટો પ્રમુખ રૂટે વોશિંગ્ટનમાં ભારત, ચીન અને બ્રાઝિલને રશિયા સાથેના આર્થિક સંબંધ ઉપર પુનર્વિચાર કરવા કહ્યું હતું તેમજ ચેતવણી આપી હતી કે, રશિયાએ શાંતિ વાર્તા માટે ગંભીરતા ન બતાવી, તો ત્રણેય દેશ 100 ટકા સેકન્ડરી સેંક્શન્સના દાયરામાં આવી શકે છે.  

Panchang

dd