ભુજ, તા. 18 : મુંદરામાં બંદરગાહ પર લાંગરેલા
જહાજના ફિલિપિન્સના નાગરિક એવા ક્રૂ સભ્ય સાંતીઆગો રિચાર્ડ નિક્સન અડેલ (ઉ.વ. 52) નામના આધેડનું અચાનક ઢળી પડયા
બાદ મોત થયું હતું, જ્યારે અબડાસા
તાલુકાના નલિયા એરફોર્સમાં રહેતા મૂળ રાજસ્થાનના બુધારામ જવેરીલાલ (ઉ.વ. 40) નામનો યુવાન બેભાન અવસ્થામાં
મળી આવ્યા બાદ મૃત્યુ પામ્યો હતો, તો ભુજ
તાલુકાના પદ્ધર ગામમાં રહેતા રમેશ વાલા ખુંગલા (ઉ.વ. 43)એ કોઈ અગમ્ય કારણે ગળેફાંસો
ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ,
મુંદરા બંદરે એમએસસી અરિજેન્ટો (વોયેજ નં. ક્યુએચ522એ)વાળું જહાજ લાંગરેલું હતું, ત્યારે તેના ક્રૂ સભ્ય સાંતીઆગો અચાનક ઢળી પડયા
હતા અને શ્વાસ ફુલાયો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાતાં ફરજ પરના તબીબે તેમને
મૃત જાહેર કર્યા હતા. મુંદરા મરીન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ
ધરી છે. બીજી બાજુ અબડાસા તાલુકાના નલિયામાં એરફોર્સમાં રહેતા બુધારામ પોતાના ઘરે બેભાન
અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને સારવાર અર્થે તાત્કાલિક નલિયા સીએચસી ખાતે લવાતાં ફરજ
પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તો પદ્ધરમાં રહેતા રમેશભાઈ પોતાના ઘરે હતા ત્યારે
કોઈ અકળ કારણે બારીમાં વાયર બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમને તાત્કાલિક ભુજની જી.કે.
જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા
હતા. પદ્ધર પોલીસે આ મામલે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.