• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

`SD PAY' કૌભાંડ અંગે મુંદરામાં ફરિયાદ અરજી

ભુજ, તા. 18 : ટૂંકા ગાળામાં અધધધ વળતરની લાલચ આપીને મુંદરાના એક વેપારી સાથે રૂપિયા 5,00,000ની ઓનલાઈન છેતરાપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે અપાયેલી ફરિયાદ અરજી અનુસાર, આ કૌભાંડમાં મુંદરા અને આસપાસના અંદાજે 100થી વધુ સ્થાનિક લોકો પણ ભોગ બન્યા હોવાની અને તેઓના 9થી 10 કરોડ રૂપિયા ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.  મુંદરાના નવલખા બંગલા પાસે રહેતા અને ગેસ એજન્સી ચલાવતા અરજદાર નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ ઝાલાએ પોલીસ મથકે લેખિતમાં આપેલી અરજીની વિગતો મુજબ, ગત ઓક્ટોબર 2025માં તેમની મુલાકાત સ્થાનિક મુંદરાના હરેશ ભદ્રેશા, હિરેન પાંજરી અને પરેશ પિંગલસુર સાથે થઈ હતી. આ ત્રણેએ ફરિયાદીને `SD PAY' નામની એક મોબાઈલ એપ્લિકેશનમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. આરોપીઓએ દાવો કર્યો હતો કે, ગૂગલ-પે અને ફોન-પે જેવી વિદેશી કંપનીઓની માર્કેટ તોડવા માટે આ એપ્લિકેશન બનાવવામાં આવી છે. તેમાં મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ અને ટિકિટ બાકિંગ જેવી સુવિધાઓ છે. આ એપ્લિકેશનમાં રોકાણ કરવાથી દર મહિને 9 ટકા જેટલું મોટું વળતર (કેશબેક) અને અન્ય સ્કીમો હેઠળ 30 ટકા સુધીનું કમિશન મળશે. આ રીતે અરજદાર નરેન્દ્રાસિંહનો વિશ્વાસ જીત્યા બાદ તેમની પાસેથી ટુકડે-ટુકડે 5.50 લાખ લેવાયા હતા. શરૂઆતમાં તેમની પાસે માત્ર એક હજારનું રોકાણ કરાવીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવાઈ હતી. ત્યારબાદ વધુ વળતરની લાલચ આપીને આરોપીઓએ વિશ્વાસમાં લઇ માર્ચ 2026 દરમિયાન અલગ-અલગ તારીખે કુલ રૂપિયા 5,00,000 રોકડા લીધા હતા અને પોતાની આઈડી પરથી ફરિયાદીના એપ્લિકેશન વોલેટમાં ડિજિટલ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, તેવું ફરિયાદ અરજીમાં જણાવાયું છે. દરમ્યાન જ્યારે નરેન્દ્રસિંહે પોતાના રોકેલા રૂપિયા પાછા ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે એપ્લિકેશનમાંથી ટ્રાન્ઝેક્શન થવાનું બંધ થઈ ગયું હતું. તેમણે પૂછપરછ કરતાં જવાબદારોએ એપ્લિકેશનમાં અપડેટ ચાલુ છે, થોડા દિવસમાં ચાલુ થઈ જશે તેવા બહાના બતાવ્યા હતા. આ દરમિયાન માર્ચ 2026થી એપ્લિકેશનની તમામ સુવિધાઓ જેવી કે રિચાર્જ અને બિલ પેમેન્ટ પણ ઠપ થઈ ગયા હતા, તેવી વિગતો આ લેખિત ફરિયાદમાં અપાઈ છે. આ સમગ્ર પ્રકરણમાં છેતરાપિંડી છુપાવવા માટે રાતોરાત એપ્લિકેશનનું નામ `SD PAY'માંથી બદલીને `APANA PAY' કરી નખાયું હતું. લોકોના ફસાયેલાં નાણાં પાછા ન મળવા વચ્ચે રૂપિયા પાછા માગતાં સામૂહિક આત્મહત્યાની ધમકી મળી હોવાની વિગતો પણ પોલીસને લેખિતમાં અપાઈ છે. અરજદાર અને અન્ય ભોગ બનનારા સ્થાનિક લોકો જેમાં પરિતોષ ડાભી, મહેશ ગઢવી અને હર્ષ દેસાઈ સામેલ છે, તેમણે જવાબદારો પાસે જઈને પોતાનાં નાણાં પાછા માગ્યાં, ત્યારે ઉદ્ધત વર્તન કરવા સાથે ફોન બ્લોક કરી દેવાયા હતા. એટલું જ નહીં, સ્થાનિકના આ જવાબદારોએ ધમકી આપી હતી કે, `જો તમે અમારી વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ કરશો, તો અમે આત્મહત્યા કરી લઈશું અને ચિઠ્ઠીમાં તમારા બધાનાં નામ લખતા જઈશું.' અરજી કરનાર નરેન્દ્રસિંહએ આ આર્થિક કૌભાંડ બદલ મુખ્ય ચાર સૂત્રધાર સામે ગુનો દાખલ કરવાની પોલીસ સમક્ષ માંગ કરી છે. તેમાં સંતોષ પાઠક, હરેશ ભદ્રેશા (રહે. મુંદરા), હિરેન પાંજરી (રહે. મુંદરા) અને પરેશ પિંગલસુર (રહે. મુંદરા)નો સમાવેશ થાય છે. આ રાજ્યવ્યાપી કૌભાંડના તાર વધુ ઊંડા હોવાની અને ભોગ બનનારનો આંકડો મોટો હોવાની શક્યતાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ કૌભાંડના અગાઉ સાયબર ક્રાઈમ પોલીસે અમરેલીના છએક આરોપીઓને પણ પકડી કાર્યવાહી કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd