• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

ભાઈના હાથે ભાઈનું મોત, અકસ્માત કે હત્યા ?

માંડવી, તા. 18 : આજે બપોરે મોટી ખાખર અને નાની ખાખર વચ્ચે છોટા હાથી અને બોલેરો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 45 વર્ષીય છોટા હાથીચાલક બાબુ હીરજી પટ્ટણી (રહે. દહીંસરા)નું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બોલેરોચાલક સગો ભાઈ મુકેશ હીરજી પટ્ટણી અકસ્માત સર્જી નાસી છુટયો હતો. આ અકસ્માતમાં છોટા હાથીમાં સવાર ત્રણ તથા બોલેરામાં ડ્રાઈવર પાસે બેઠેલો શખ્સ ઘાયલ થયો હતો. મુંદરા તાલુકાના મોટી ખાખર - નાની ખાખર વચ્ચેના માર્ગ પર આજે બપોરે માંડવી બાજુથી મુંદરા સાઈડ જતા છોટા હાથી ટેમ્પો નં. જી.જે.-12 -બીવાય-2328ને સામેથી બોલેરો ગાડી નંબર જીજે-12 -બીવાય-7691 સાથે અકસ્માત થયો હતો, જેમાં છોટા હાથીના ડ્રાઈવર બાબુ પટ્ટણીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે છોટા હાથીમાં સવાર કિશોર બાબુ પટ્ટણી (ઉ.વ. 27), કિશન ઈશ્વર પટ્ટણી (ઉ.વ. 7) તથા જીનાબેન બાબુભાઈ પટ્ટણી (ઉ.વ. 45)ને 108 તથા એમ્બ્યુલન્સ મારફત પ્રથમ માંડવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ફરજ પરના ડો. પરવેઝ તથા ડો. ફાલ્ગુનીએ પ્રાથમિક સારવાર કરી ભુજ રિફર કર્યા હતા, જ્યારે બોલેરાના ડ્રાઈવર મુકેશ હીરજી પટ્ટણી અકસ્માત થતાં જ ગાડી છોડીને બનાવના સ્થળેથી નાસી છુટયો હતો, જ્યારે બોલેરોમાં અન્ય  ડ્રાઈવરની સાથે રહેલા બાબુ ઈસ્માઈલ કોલી જે મૂળ દરશડીનો છે, પરંતુ બિદડા રહે છે તેને માથાંમાં તેમજ અન્ય ઈજાઓ થતાં બોલેરોમાંથી બહાર કાઢી 108 મારફત માંડવી સિવિલમાં મૂકી ત્યાંથી સારવાર લઈ વધુ  સારવાર માટે ભુજ રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે સ્થળ ઉપરથી પ્રાપ્ત માહિતી મુજબ છોટા હાથી પોતાની સાઈડ ઉપર આવી રહ્યો હતો, પરંતુ બોલેરો ગાડીના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં રસ્તાની સામેની સાઈડે છોટા હાથીને ધડાકાભેર અથડાવી તેમજ ડ્રાઈવર તથા તેની સાથે રહેલા બાબુ ઈસ્માઈલ કોલી નશામાં હોય તેવી વાસ આવી રહ્યાનું સ્થળ પરથી જાણવા મળ્યું છે. બીજી બાજુ માંડવી હોસ્પિટલમાં બનાવની જાણ થતાં નરેનભાઈ રવિલાલ સોની આવી પહોંચ્યા હતા અને પટ્ટણી સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હોસ્પિટલે આવી પહોંચ્યા હતા. બાબુ હીરજી પટ્ટણીનાં અવસાન બદલ રુદનનાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. હોસ્પિટલ મધ્યે બાબુ હીરજીના કુટુંબીજનોએ જણાવ્યું કે, બોલેરોના ડ્રાઈવર મુકેશ હીરજીએ પોતાના ભાઈને ઈરાદાપૂર્વક અકસ્માત સર્જી મારી નાખ્યો છે. પંદરેક દિવસ અગાઉ કોઈ કૌટુંબિક કારણે મતભેદ અંગે સમાજના આગેવાનો વચ્ચે લેખિતમાં સમાધાન થયું તેમ છતાં પોતાના સગા ભાઈને આજે મુકેશે મારી નાખ્યો છે, તેવું આક્રોશ સાથે જણાવ્યું હતું. આ અંગે પોલીસને પણ જાણ કરાશે તેવું જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd