• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

પૂર્વ કચ્છમાં ભંગારના અનધિકૃત વાડા ઢીલી નીતિથી બેફામ

મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 13 : પૂર્વ કચ્છ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાયર ચોરી, વાહન ચોરી અથવા અન્ય કિંમતી વસ્તુઓની ચોરીના બનાવોમાં ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. બીજીબાજુ ચોરીની આવી ઘટનાઓ ઉકેલવામાં અને મુખ્ય ગુનેગારો સુધી પહોંચવામાં પોલીસ તંત્રને જોઇએ તેવી સફળતા મળી રહી નથી. ચોરીનો માલ ખરીદીને ધમધમતા અનઅધિકૃત ભંગારના વાડાઓ સામે પોલીસ કેમ ધોંસ બોલાવતી નથી ? તેવા અનેક ગંભીર સવાલો સપાટી ઉપર આવ્યા છે. : ચોરાઉ માલનો આસાનીથી નિકાલ : સ્પેરપાર્ટસ જુદા- જુદા કરી લેવાય છે : પૂર્વ કચ્છમાં ખેડૂતોના ખેતરો-વાડીઓમાંથી વાયર, પવનચક્કીના સાધનો, વાયરના ફીંડલા, દ્વિચક્રીય વાહનો, બેટરી, પૈડાં, તેલ, ચોખા વગેરેની ચોરીના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે અવિરત વધારો આવ્યો છે. ચોરીનો ગણાતો આ માલ મોટાભાગે ભંગારના ચોક્કસ, અમુક વાડાઓમાં બારોબાર પધરાવી દેવાય છે. વાહનો કે વાયર ચોરાયા બાદ થોડી જ વારમાં ભંગારના વાડાઓમાં તેના સ્પેરપાર્ટસ અલગ-અલગ કરી દેવામાં આવે છે. જો વાહન, વાયર માલિક ત્યાં પહોંચી પણ જાય તો પોતાની વસ્તુ ઓળખી જ ન શકે તેવી સ્થિતિ સર્જાય છે. ભૂતકાળમાં અને હાલમાં પણ વાયર વગેરેની ચોરીના બનાવોમાં ભંગારના વાડાઓમાંથી મુદ્દામાલ જપ્ત કરાય છે જેમાં ચોરી કરનારો જ ઝડપાય છે, પરંતુ ચોરીનો માલ રાખનાર વાડાના અમુક સંચાલકો આબાદ રીતે છૂટી જતા હોવાના બનાવો પણ હાલમાં સપાટી ઉપર આવ્યા હતા. ગાંધીધામ, સામખિયાળી આસપાસના આવા બનાવો તાજા જ હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું. - અગાઉની કડકાઇ ગાયબ : ઢીલી નિતિથી ભંગાર માફિયા બેફામ : અગાઉ પૂર્વ કચ્છમાં ચોરી, વાહન ચોરીના ભેદ, ભંગારના વાડાઓમાંથી પણ ઉકેલાયા છે. જે- તે સમયે પોલીસવડાએ ભંગારના સંચાલકોની બેઠક બોલાવી ચોક્કસ નિયમોનું કડક પાલન કરાયું હતું, જેમાં - સંચાલકોએ તમામ માલનું રજિસ્ટર રાખવું. - ભંગાર વેંચવા આવનારનું ઓળખપત્ર લેવું. - વેચેલા ભંગારની યાદી તૈયાર રાખવી. - વાડામાં સી.સી.ટી.વી. ફરજિયાત લગાવવા. - શંકાસ્પદ હિલચાલ, શખ્સો અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્ર દ્વારા આ પ્રક્રિયામાં ભારે ઢીલાશ મૂકી દેવામાં આવી હોવાનું ચિત્ર ઉપસે છે. માત્ર કમાઇ લેવાની વૃત્તિ અને ઢીલિ નીતિના કારણે આવા અમુક વાડાના સંચાલકો બેફામ બન્યા છે. - સરકારી અસ્કયામતોની ચોરીમાં પણ જાણે તંત્રોને રસ નથી : અગાઉ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનું રેલિંગ, ગાંધીધામમાં ઝંડા ચોકનું રેલિંગ વગેરે સરકારી માલની ચોરીમાં પણ તંત્રોને રસ જ ન હોય તેમ અમુક બનાવોમાં ફરિયાદો પોલીસ ચોપડે ચડી છે જેમાં હજુ ભેદ ઉકેલાયો નથી, તો અનેક બનાવો હજુ પણ પોલીસના ચોપડે જ ચડયા નથી. પૂર્વ કચ્છમાં સ્થિતિ એટલી વણસી છે કે સરકારી કર્મીઓની ફરિયાદો પણ દિવસો, મહિનાઓ બાદ ચોપડે ચડે છે. - અનઅધિકૃત વાડાઓનો ભોગ બનતી જનતા : ફાયર એન.ઓ.સી.-પ્રદૂષણ નિયમોના ધજાગરા : શહેરના કાસેઝ પાછળ, ડી.પી.એ., જી.આઇ.ડી.સી., ગુજરાત હાઉસિંગ બોર્ડ, મીઠીરોહર, ખોડિયાર નગર, કાર્ગો, સુંદરપુરી, આદિપુર બસ સ્ટેન્ડ આસપાસ, અંજાર જી.આઇ.ડી.સી., વરસામેડી, સામખિયાળી, લાકડિયા, ભચાઉ સહિતના વિસ્તારોમાં આવા પ્રકારના વાડાઓ ધમધમી રહ્યાં છે. આવા અમુક ભંગારના વાડાઓમાં પ્લાસ્ટિક, લોખંડ, તેલના ડબ્બા વગેરે ભયાનક જ્વલનશીલ માલ એકઠો કરાય છે. ભૂતકાળમાં ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ, વરસાણા, વરસામેડી, સામખિયાળીના અમુક વાડાઓમાં ભીષણ આગ લાગી ચૂકી છે. આમ છતાં કોઈ પણ વાડાના સંચાલકો પાસે ફાયર એન.ઓ.સી. ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રાજકોટ જેવા મેટ્રો શહેરમાં ફાયર એન.ઓ.સી. ન લેનારા ભંગારના વાડાઓ સીલ કરવામાં આવ્યા હતા, પરંતુ પૂર્વ કચ્છમાં તંત્રો નિદ્રાધીન છે. વાયરમાંથી પિત્તળ અને તાંબુ કાઢવા માટે ખુલ્લામાં ભંગાર અને વાયર સળગાવવામાં આવે છે. જેના લીધે ઝેરી ધુમાડો વાતાવરણમાં ભળે છે અને હવામાં પ્રદૂષણ ફેલાય છે છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે સ્થાનિક પોલીસ કોઈ જ કાર્યવાહી કરતા નથી. છેલ્લા કેટલાક સમયથી કથિત પ્રસાદીની લહાયમાં તંત્ર દ્વારા ઘોર ઢીલાશ મૂકી દેવામાં આવી હોવાનું ચર્ચાય છે. આક્ષેપો એવા છે કે, અનઅધિકૃત ભંગારના અમુક વાડાઓ ગુનાખોરીનો મધપુડો બની ગયા છે. જ્યાંથી દર મહિને તંત્રને `મધ' મળે છે. બેફામ બનેલા વાડાના અમુક સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, અંકુશ ન લગાવાય તો આગામી દિવસોમાં પૂર્વ કચ્છમાં ગુનાખોરી, ચોરીના બનાવો વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેમાં શંકા ન હોવાનું જાણકારો કહી રહ્યા છે. આવા સંચાલકો સામે પાસા સહિતની આકરી કામગીરી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તો જ ચોરીના વધતા બનાવો પર અંકુશ આવશે. - વિસ્ફોટક પદાર્થોનું જોખમ  અને નાપાક ષડયંત્રની આશંકા : પૂર્વ કચ્છના અમુક ભંગારના વાડાઓમાંથી અગાઉ આર.ડી.એક્સ અને ફૂટેલા કારતૂસ સહિતનો બારૂદ મળી આવ્યો છે. ગાંધીધામ, કંડલા, મીઠીરોહર, પડાણા, વરસાણા, આદિપુર સંકુલ જેવા ઔદ્યોગિક અને વસ્તીવાળા વિસ્તારોમાં બારૂદના ઢગલા વચ્ચે લોકો વસવાટ કરી રહ્યા છે. જ્યારે અમુક ભંગારના વાડા સંચાલકોની નાની ભૂલ પણ મોટી હોનારત સર્જી શકે છે. આ મામલો વિદેશથી આવતા જોખમી સામાન કે કોઈ મોટા રાષ્ટ્રીય સુરક્ષાના ષડયંત્રનો ભાગ પણ હોઈ શકે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, તંત્ર આ બેફામ બનેલા બિનઅધિકૃત વાડાઓ સામે આંખ આડા કાન કરવાનું કયારે બંધ કરશે ? 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd