ડરબન, તા. 13 : ઓસ્ટ્રેલિયાએ ડરબનના કિંગ્સમીડ
સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન સાઉથ આફ્રિકાને 214 રનના મોટા અંતરથી હરાવીને ત્રણ
મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી
લીધી છે. આ પરાજય સાથે સાઉથ આફ્રિકાના નિયમિત સુકાની ટેમ્બા બાવુમાના અજેય રથને આખરે
બ્રેક લાગી છે. ટેસ્ટ કેપ્ટન તરીકે બાવુમાની આ કારકિર્દીની સૌપ્રથમ હાર છે. ઓસ્ટ્રેલિયાના
ઝડપી બોલર જોશ હેઝલવૂડે બન્ને ઇનિંગ્સ મળીને કુલ 8 વિકેટ ઝડપી મેચનું પાસું કાંગારુ ટીમના પક્ષમાં વાળી દીધું હતું.
હવે શ્રેણીની બીજી ટેસ્ટ 18 ઓક્ટોબરથી
ગેકેબેરા ખાતે રમાશે. ટેમ્બા બાવુમાની કપ્તાની હેઠળ સાઉથ આફ્રિકાએ અગાઉ 12માંથી 11 ટેસ્ટ મેચોમાં જીત મેળવી હતી. કેપ્ટન તરીકે પ્રથમ પરાજયનો સામનો
કરવા પૂર્વે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે બાવુમા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની માઇક
બ્રિયરલી (પ્રથમ 15 ટેસ્ટમાં
10 જીત)ને પણ પાછળ છોડી ચૂક્યો
હતો. ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરનારા ઓસ્ટ્રેલિયાએ મેટ રેનશોની લડાયક ઇનિંગ્સની મદદથી
પ્રથમ દાવમાં 390 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો.
જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 284 રને ઓલઆઉટ થતાં કાંગારુઓને 106 રનની મહત્ત્વપૂર્ણ સરસાઈ મળી હતી. બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ
6 વિકેટે 314 રને દાવ ડિક્લેર કરી સાઉથ આફ્રિકા સમક્ષ વિજય માટે 421 રનનો પહાડી લક્ષ્યાંક મૂક્યો
હતો. જે લક્ષ્યાંકનો પીછો કરતાં સાઉથ આફ્રિકાએ પાંચમા દિવસની શરૂઆત 102/4ના સ્કોરથી કરી હતી. એડન માર્કરમ
(75) અને વિયાન મુલ્ડરે (29) સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો
હતો, પરંતુ મુલ્ડર આઉટ થતાં જ વિકેટોની ઝડી લાગી
ગઈ હતી. કાઇલ વેરેને (1) અને સિમોન
હાર્મર (0) ખાતું ખોલાવ્યા વિના સસ્તામાં
પેવેલિયન ભેગા થયા હતા. આખી ટીમ 206 રનમાં સમેટાઈ
ગઈ હતી.