નવી દિલ્હી, તા. 13 : મુખ્ય ચૂંટણી
કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શનો સંબંધિત કેસોની સુનાવણી સુપ્રીમ કોર્ટે
ગુરુવાર, 15 અૉક્ટોબર
સુધી મુલતવી રાખી છે. આમાં પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવા, ઇન્ટરનેટ સેવા બંધ કરવી તેમજ મેટ્રો અને રેલવે
સેવાઓમાં વિક્ષેપ ઊભો થવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ મામલે સુનાવણી કરનાર પીઠનાં
સભ્ય ન્યાયધીશ વી. મોહનાની તબિયત નાદુરસ્ત હોવાનાં કારણે સુનાવણી મુલત્વી રાખવામાં
આવી છે. તેમની તબિયત લાંબા સમય સુધી ચાલતી સુનાવણીમાં ભાગ લઈ શકે તેવી નહોતી. આ ઉપરાંત,
કેન્દ્ર સરકારે પણ હજી સુધી આ કેસમાં પોતાનો જવાબ દાખલ કર્યો નથી. સુપ્રીમ
કોર્ટે કેન્દ્ર સરકારને 15 અૉક્ટોબર
સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ જ દિવસે કેસની વધુ સુનાવણી હાથ
ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની વિશેષ સુનાવણી ચાલી રહી છે. અરજીમાં આરોપ લગાવવામાં
આવ્યો છે કે પ્રદર્શનકારીઓને રોકવા માટે દિલ્હી મેટ્રો સ્ટેશનો અને ટ્રેન સેવાઓ વ્યાપક
પ્રમાણમાં બંધ કરવી એ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન છે. ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને
ન્યાયમૂર્તિ વી. મોહનાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો
સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવતી અરજીઓ દાખલ કરનારા અરજદારોને ખાતરી આપી હતી કે તેમની
તમામ અરજીઓ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ
વી. મોહનાની બેન્ચ સમક્ષ અનેક અરજીઓનો ઉલ્લેખ કરીને તેમની તાત્કાલિક સુનાવણી માટે સૂચિબદ્ધ
કરવાની વિનંતી કરવામાં આવી હતી.