ખાવડા (તા. ભુજ), તા. 13 : આ સરહદી ગામ
વચ્ચેથી પસાર થતા રસ્તાને નેશનલ હાઈવે કચેરીના પત્રમાં બાયપાસ રોડ દર્શાવાય છે. તેથી
ખાવડા ગ્રામ પંચાયતે જિલ્લા કલેકટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સમા અને સુમરાવાસને બચાવવા ખાવડા ગામથી બહાર
કાઢવા તેમજ ફોરલેન પર સ્પીડ કિ.મી. 100થી ઘટાડીને 40 કરવામાં આવે જેથી અકસ્માતનો ભય ટાળી શકાય. સરપંચ દ્વારા લેખિત
રજૂઆતમાં જણાવાયું હતું કે, ત્રણ સદીથી
વસવાટ કરતા એક હજાર જેટલા સુમરાવાસ અને સમાવાસ તેમજ રસ્તાની પૂર્વે માધ્યમિક શાળા અને
બજાર, પશ્ચિમમાં મામલતદાર કચેરી, બજાર,
કન્યાશાળા ઉપરાંત પ્રમુખસ્વામી નગર આવેલા હોવાથી ગામમાંથી પસાર થતા માર્ગને
બાયપાસ કહી જ ન શકાય. નેશનલ હાઈવે ભીમાસર ધર્મશાળાને ફોરલેનથી સિક્સલેન કરવાનો થાય
ત્યારે લોકોના જાનમાલની સલામતીને ધ્યાને લેવાય. નેશનલ હાઈવે 341 અને 154 જે લુડિયા ફાટક પાસે ભેગા થઈ
ગામમાં પ્રવેશે છે તેના બદલે સોલારીસ સુધીના બાયપાસને ઝહીરવાસ ટાંકા સુધી લંબાવાય અને
ત્યાંથી એક રસ્તો 341 ધર્મશાળા
તરફ અને બીજો માર્ગ 751-કે સાંતલપુર
તરફ જાય તો તેને બાયપાસ કહી શકાય. ગ્રામ પંચાયતે બે વસાહતો બચાવવા સાથે ખાવડા ગામના
હાઈવે પર સંભવિત અકસ્માતથી બચી શકાય અને વાહનચાલકોને પૂરતી સ્પીડ પણ મળી રહેશે.