જ્ઞાનેશકુમારને હઠાવવાની મુખ્ય માગણી સાથે મોદીવિરોધી પ્રતિનિધિમંડળ
રાષ્ટ્રપતિજી-દ્રૌપદી મુર્મુને મળ્યું અને મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ `વોટચોરી'ની ફરિયાદ કરી, આવેદનપત્ર આપીને વોટિંગ મશીન પાછા ખેંચી
લઈને મતપત્રક - બેલેટથી મત આપવાની પ્રથા ફરીથી શરૂ કરવાની માગણી પણ કરી છે. રાષ્ટ્રપતિજીને
મળીને બહાર આવ્યા પછી વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે, રાષ્ટ્રપતિજીએ વોટચોરી થઈ હોવાનું `સ્વીકાર્યું' છે. અમને પુરાવા આપવા જણાવ્યું છે, તેથી કહી શકાય કે
રાષ્ટ્રપતિએ વોટચોરી થતી હોવાનું સ્વીકાર્યું છે અને આગળ વધીને પુરાવા પણ માગ્યા છે.
રાષ્ટ્રપતિજીને જ્યારે અને જે પણ આવેદનપત્ર આપવામાં આવે ત્યારે તેઓ સ્વીકાર કરે છે.
કરવો જ જોઈએ, પણ તેનો અર્થ એવો નથી કે આવેદનપત્રમાં લખાયેલા મુદ્દા
આક્ષેપોનો સ્વીકાર થયો છે! પ્રસ્તુત કેસમાં રાષ્ટ્રપતિજીએ પુરાવા માગ્યા હોય તો તે
સ્વાભાવિક પ્રક્રિયા છે. રાષ્ટ્રપતિ આક્ષેપ સાચા છે કે ખોટા તેનો ચુકાદો આપી શકે નહીં,
પણ આવેદનપત્ર કેન્દ્રીય ગૃહખાતાને મોકલી આપે - ગૃહખાતું તેનો યોગ્ય જવાબ
લખી મોકલે અને તેની નકલ રાષ્ટ્રપતિને જાણ ખાતર મોકલી આપે. આ પ્રણાલી રાહુલ ગાંધી જાણતા
હોવા જોઈએ છતાં એમણે પત્રકારોને કહ્યું કે, રાષ્ટ્રપતિજી પણ સ્વીકારે
છે કે વોટચોરી થઈ છે! આમ કહેવા પાછળ એમણે સત્ય છુપાવીને અસત્ય છાપ ઊભી કરવાનો પ્રયાસ
કર્યો છે ? શક્ય છે કે રાજકારણી હોવાથી રાહુલ ગાંધીએ આ મુલાકાતની
રજૂઆતમાં રાજકીય કુનેહ વાપરી હોય. દેશની જનતાને ખાતરી અપાય કે રાષ્ટ્રપતિ મળ્યા અને
પુરાવા માગ્યા એટલે વોટચોરીનો આક્ષેપ સ્વીકાર્યો છે! વડાપ્રધાનથી ઉપર રાષ્ટ્રપતિ છે
અને તેથી અમારી ફરિયાદ - રજૂઆત સ્વીકારી છે! શક્ય છે કે, રાષ્ટ્રપતિ
ભવન દ્વારા જરૂરી `સ્પષ્ટતા' થાય અને હકીકતની જાણ જાહેર જનતાને થાય,
આવી સત્તાવાર સ્પષ્ટતા જરૂરી પણ છે.