હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 13 : દિવાળીના તહેવારો નજીક આવતાં
જ ખાંડના ભાવો બેકાબૂ બની રહ્યા છે, આ ભાવવધારા પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં વૈશ્વિક
સ્તરે ખાંડની કિંમતોમાં થયેલો રેકોર્ડ વધારો, ઓછા વરસાદનાં કારણે
ઉત્પાદનમાં ઘટાડો તેમજ ફેકટરીઓ દ્વારા સ્ટોક વેચાણના નિયમોની કડક અમલવારી ન થવી જેવા
પરિબળો જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ રેકોર્ડ
સ્તરે પહોંચી ગયા છે, જેની સીધી અસર સ્થાનિક બજાર પર પડી રહી
છે. છેલ્લા 18-19 મહિનામાં
ખાંડના ભાવમાં 20 ટકાથી વધુનો જંગી વધારો થયો
છે, જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર મોટો બોજ
પડ્યો છે. - વૈશ્વિક ભાવ
રેકોર્ડબ્રેક : ખરાબ હવામાન, મધ્ય પૂર્વમાં તણાવ અને પરિવહન ખર્ચમાં વધારો
વૈશ્વિક ભાવ વધારા માટે જવાબદાર છે, તો સ્થાનિકે નવરાત્રિ-દિવાળી
જેવા તહેવારોની મોસમમાં વધતી માંગ અને સપ્લાય ચેઇનમાં આવેલી રૂકાવટને કારણે ભાવ વધ્યા
છે. બીજીતરફ મુખ્ય ઉત્પાદક રાજ્યોમાંથી અપેક્ષિત પુરવઠો ન પહોંચવાનાં કારણે જથ્થાબંધ
બજારોમાં માલની અછત સર્જાઈ છે. દેશમાં વર્તમાન તહેવારો દરમ્યાન મીઠાઈઓ અને ફરસાણ બનાવવાની
સિઝન ચરમસીમા પર હોવાથી ખાંડની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી છે. - કડક અમલવારી : ખાંડ બજાર સાથે સંકળાયેલા સૂત્રોમાંથી પ્રાપ્ત
વિગતો મુજબ સરકાર દ્વારા દરેક વેપારીને 100 ક્વિન્ટલ ખાંડનો જથ્થો રાખવાની છૂટ છે, જે 15 દિવસમાં વેચી નાખવાનો હોય છે,
જ્યારે કેટલીક ફેકટરીવાળા તેમને ફાળવાયેલો જથ્થો નીચા ભાવ હોય ત્યારે
વેચે નહીં અને જ્યારે ઊંચા ભાવ હોય ત્યારે વેચતા હોવાનોયે આક્ષેપ વેપારી વર્તુળો કરી
રહ્યા છે, તેથી સરકાર દ્વારા તેમને નિયમોની કડક અમલવારી કરાવે
કેમ કે ભાવવધારા પાછળ ફેકટરીઓ પણ જવાબદાર હોવાનો આક્ષેપ જાણકારો કરી રહ્યા છે. 2026-27 દરમિયાન ભારતના ખાંડ ઉત્પાદનમાં
ઘટાડો થવાની ધારણા છે, જે કુલ 29.5 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી
શકે છે. આ ઘટાડાનું મુખ્ય કારણ શેરડીનાં ઉત્પાદન અને ખાંડના પુન: પ્રાપ્તિ દર પર અનિયમિત
વરસાદ, લાંબા સમય સુધી દુષ્કાળ, પાણી ભરાવા અને જીવાતોના ઉપદ્રવની અસર છે. - સરકારે પૂરતો જથ્થો ફાળવ્યો
: કેન્દ્ર સરકાર દ્વારા ઓકટોબરના પ્રથમ પખવાડિયા
માટે 14 લાખ ટન અને બીજા પખવાડિયા માટે
16 લાખ ટન ખાંડનો જથ્થો ફાળવ્યો
છે, પરંતુ તહેવારોનાં કારણે ખપત વધી જવાથી માલની
અછત સર્જાય છે અને ભાવોમાં વધારો થાય છે. - પિલાણ વહેલું શરૂ કરાવવું જરૂરી : આમ તો દરેક મિલોમાં દિવાળી આસપાસ શેરડીનું
પિલાણ કરાતું હોય છે, પરંતુ સરકાર
દ્વારા આગામી 15મી ઓક્ટોબર
સુધીમાં પિલાણ શરૂ કરાવે તો બજારમાં આવકો વધે અને ભાવો પર અંકૂશ આવી શકે તેવો મત જાણકારો
વ્યક્ત કરી રહ્યા છે. - નવી સિઝનની
ખાંડની અસર : નવી સિઝનની ખાંડ બજારમાં આવવાથી ભાવ પર
દબાણ આવવાની ધારણા છે. - ભાવોમાં ફરી
ઉછાળો : ગત ઓગસ્ટ મહિનામાં જે ખાંડના ભાવ આસમાને
પહોંચીને કિલોદીઠ રૂા. 70 સુધી થઈ ગયા
હતા, તેમાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ બે અઠવાડિયામાં
જ ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો, જો કે, દિવાળીના
તહેવારો નજીક આવતાં જ ફરી ભાવો બેકાબૂ બની રહ્યા છે અને સ્થાનિક બજારમાં ભાવો ક્વિન્ટલના
રૂા. 5700થી 5800 સુધી પહોંચી ગયા હોવાનું સ્થાનિક
વેપારી કીર્તિકુમાર વોરાએ જણાવ્યું હતું. - રાજ્યોની ખરીદીની અસર : બીજીતરફ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં શેરડી ઉત્પાદન ઘટવાથી માલની અછત જેવો માહોલ સર્જાયો
છે, જેથી આ રાજ્યોમાંથી જતા ખાંડના જથ્થાની અસર ગુજરાતમાં પડી
છે, વળી ગુજરાતને ફાળવાયેલા જથ્થામાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી અને છેક જમ્મુ-કાશ્મીરના વેપારીઓ
ખરીદી કરવા આવી પહોંચતાં ગુજરાતને ફાળવાયેલો જથ્થો ખૂટી પડયો અને તેની અસર ભાવો પર
પડી રહી છે.