• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો દબદબો

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મોટો વિજય હાંસલ કર્યો છે. ભાજપે દબદબો જાળવી રાખ્યો છે.  ગાંધીનગર મનપામાં ભાજપે બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે ઓખા અને થરા નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું છે. આ શાનદાર જીતના પગલે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉજવણીનો માહોલ છવાયો હતો અને વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીમંડળના સભ્યો, પ્રદેશના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓ આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા. કાર્યકર્તાઓએ અબિલ-ગુલાલની હોળી રમીને અને ફટાકડા ફોડીને પક્ષની જીતને વધાવી લીધી હતી. ભાજપની જીત બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, ગુજરાતની જનતાએ ભાજપના સેવા, સમર્પણ અને વિકાસના અભિગમ પર વિશ્વાસ મૂક્યો છે. ચૂંટણી પરિણામો ઉપર નજર કરીએ તો, ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડોની કુલ 44 બેઠકો પૈકી 38 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા છે, 5 બેઠકો ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયેલ છે, 1 બેઠક ઉપર અપક્ષના ઉમેદવાર વિજેતા થયા છે. ઓખા નગરપાલિકા 9 વોર્ડની કુલ 36 બેઠકો પૈકી 4 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર બિન હરીફ થયા છે, બાકી 32 બેઠકો પૈકી 29 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. 3 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. થરા નગરપાલિકાની દુ વોર્ડની કુલ 24 બેઠકો પૈકી 19 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે 5 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. ખેરાલુ નગરપાલિકાની 1 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે, છોટાઉદેપુર નગરપાલિકાની 1 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીત્યા છે, બાયડ નગરપાલિકાની 1 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 1 બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયેલ છે, પડધરી તાલુકા પંચાયતની 1 બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd