• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

દુધઇ-ધમડકા વચ્ચે કાર અને ટ્રક ભટકાતાં મહિલાનું મોત

ગાંધીધામ, તા. 13 : અંજારના દુધઇ અને ધમડકા વચ્ચે કાર અને ટ્રક ભટકાતાં કારમાં સવાર ડમીબેન જ્ઞાનગર ગુંસાઇ (ઉ.વ. 65)નું મોત થયું હતું, જ્યારે અન્ય એકને ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ કંડલામાં આગળ ઊભેલા ટ્રકમાં પાછળની ટેન્કર ઘૂસી જતાં ટેન્કરના ચાલકે જીવ ખોયો હતો. ભચાઉના ભુજપરમાં રહેનાર નરેન્દ્રગિરિ બાલગિરિ ગુંસાઇ તથા ડમીબેન ગુંસાઇ કાર નંબર જીજે-39-સીબી-5167 લઇને જઇ રહ્યા હતા. દરમ્યાન દુધઇ-ધમડકા રોડ પર ગંગાજીવાળા પુલિયા પાસે અકસ્માત નડયો હતો. સામેથી આવતી ટ્રક નંબર જીજે-12-બીઝેડ-9861 આ કારમાં ભટકાતાં કારમાં સવાર બંનેને ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર અર્થે ભુજ લઇ જવાયા હતા, જ્યાં વૃદ્ધાને વધુ સારવાર મળે તે પહેલાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા, જ્યારે નરેન્દ્રગિરિ સારવાર હેઠળ રખાયા હતા. દુધઇના અમારા પ્રતિનિધિ ભાવેશ ઠક્કરે લોકોને ટાંકીને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી આ માર્ગનું કામ ચાલી રહ્યું છે, એક બાજુનો માર્ગ બંધ હતો અને બીજી બાજુનો વન-વે ચાલુ રખાયો હતો તેમજ ક્યાંક-ક્યાંક કટ પણ જોખમી રખાયા છે, આવામાં અકસ્માતની ભીતિ વધી રહી હોવાનું જણાવાયું હતું. બીજી બાજુ કંડલામાં હનુમાન મંદિરથી નકટી પુલ જતા રોડ પર ગઇકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો ફરિયાદી દીપકકુમાર શંભુ ચૌહાણ ટ્રક નંબર જીજે-12-બીટી-8066 બંધ પડી જતાં રિપેરિંગ કરવા ગયો હતો, જ્યારે કરણ મારાજ સ્પેરપાર્ટસ લેવા ગયો હતો. તેવામાં કંડલા બાજુથી આવતું ટેન્કર જીજે-12-બીવાય-6841 આ ટ્રકમાં ભટકાયું હતું, જેમાં ટેન્કર ચાલકનું તત્કાળ મોત થયું હતું, જ્યારે ટેન્કર આગળના વાહનમાં ભટકાતાં તે આગળ સરકતાં ફરિયાદીના પગ પરથી પૈડાં ફરી વળતાં તેને ઇજાઓ પહોંચી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd