નવી દિલ્હી,તા. 13 : ભારત સરકારે
લદ્દાખના નક્શામાં 28 મુખ્ય ભૌગોલિક
સ્થળના નામ સામેલ કરતાં ખંધા ચીને આપત્તિ દર્શાવી હતી. જો કે, ભારતે હવે ચીનના વાંધાને ફગાવતાં સ્પષ્ટ જવાબ
આપ્યો હતો કે, લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે.
એક મીડિયા હેવાલ મુજબ, સરકાર દ્વારા વિવિધ પ્રકારની ભૌગોલિક રચનાઓ
માટેના નામોને આખરી ઓપ આપી લદ્દાખના પર્વત શિખરો, પર્વતો,
ઘાટ, હિમનદીઓ, ભૂ-આકારો,
ખીણો અને જળાશયોનો સમાવેશ `સર્વે ઓફ ઈન્ડિયા'ના અધિકૃત નકશાઓમાં કરવામાં આવશે, જેથી આ સ્થળોની ઓળખ
અને તેના રેકોર્ડની જાળવણીમાં એકરૂપતા લાવવામાં મદદ મળશે. સરકારના આ નિર્ણય સામે વાંધો
ઉઠાવતાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે, ચીન ભારત દ્વારા સ્થાપિત લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશને માન્યતા આપતું નથી.
ભારતના આ પગલાને ગેરકાયદેસર અને અમાન્ય ગણાવતા તેમણે કહ્યું હતું કે, સરહદના પશ્ચિમી ક્ષેત્રમાં ચીન જે વિસ્તારો પર પોતાનો દાવો કરે છે,
તેની સ્થિતિમાં આનાથી કોઈ ફેરફાર થઈ શકતો નથી. હવે ભારતે સ્પષ્ટ વલણ
અપનાવતાં ચીનને જવાબ આપતાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને
લદ્દાખના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને રાજકીય
હેતુઓથી પ્રેરાઈને કરવામાં આવતા દાવાઓ કે પ્રચાર તેના પ્રાદેશિક દરજ્જામાં ફેરફાર કરી
શકતા નથી. લદ્દાખમાં 28 સ્થળોના નામ
નક્કી કરવા એ આ પ્રદેશના સત્તાવાર ભૌગોલિક રેકોર્ડ્સને વ્યવસ્થિત કરવાની પ્રક્રિયાનો
એક ભાગ છે.