• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

જૂના કટારિયા : વાહનો-ટાંકામાંથી 30.41 લાખનો દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 13 : ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામની સીમમાં રેલવે પાટા નજીક અંગ્રેજી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું ત્યારે સરહદી રેન્જની ક્રાઈમ બે ટીમ તથા સ્થાનિક પોલીસ ત્રાટકી હતી અને ત્રણ કાર, એક ટ્રેકટર તથા અવાવરુ પાણીના ટાંકામાંથી એમ કુલ રૂા. 30,41,160નો શરાબ ઝડપી પાડયો હતો, જો કે એકેય આરોપી પોલીસના સકંજામાં આવ્યો ન હતો. સરહદી રેન્જની ક્રાઈમ બેની ટીમ આજે વહેલી પરોઢે જૂના કટારિયા હનુમાનધામ ચાર રસ્તા પાસે હતી દરમ્યાન ગામની સીમમાં રેલવે પાટાની બાજુમાં, અવાવરુ ખેતરમાં દારૂનું કટિંગ ચાલુ હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. આ ટીમ દારૂ શોધવા જઈ રહી હતી, દરમ્યાન સ્થાનિક પોલીસ પણ આ ટીમને મળી હતી. બંને ટીમો સાથે મળીને દારૂ શોધવા નીકળી હતી. સીમ વિસ્તારમાં બાવળોની ઓથમાં ગાડીઓની લાઈટો ચાલુ તથા અમુક શખ્સોનો અવાજ આવતાં અને ટીમો તેમને કોર્ડન કરવા ત્યાં દોડી હતી પણ બુટલેગરો ચબરાક અને ચપળ નીકળ્યા હતા અને અંધારાનો લાભ લઈને પોલીસ કરતાં વધુ સ્ફૂર્તિમાં બાવળોની ઝાડીઓમાં ગાયબ થઈ ગયા હતા. આ જગ્યાએથી મળેલી સફેદ રંગની ક્રેટા કાર નંબર જી.જે.-39- સીએ-4437માંથી ગ્રીન લેબલ 750 મિલીની 300 બોટલ, 8 પીએમના 1440 કવાર્ટરિયા, ગ્રીન લેબલના 720 કવાર્ટરિયા, કાળા રંગની ક્રેટા કાર નંબર જી.જે.-39-સીસી- 0332માંથી ગ્રીન લેબલની 360 બોટલ, 8 પીએમના 1200 કવાર્ટરિયા, ગ્રીન લેબલના 960 કવાર્ટરિયા, ત્રીજી સફેદ રંગની ક્રેટા કાર નંબર જી.જે.-39-સીબી-7514માંથી ગ્રીન લેબલની 420 બોટલો, 8 પીએમના 1920 કવાર્ટરિયા, ગ્રીન લેબલના 1200 કવાર્ટરિયા તથા ટ્રેકટરની ટ્રોલીમાંથી ગ્રીન લેબલની 180 બોટલ, 8 પી.એમ.ના 480 કવાર્ટરિયા મળી આવ્યા હતા. આ ટ્રેક્ટરના ચીલાની તપાસ કરતાં તે 500 મીટર દૂર એક અવાવરુ ખેતરમાં જતા દેખાયા હતા, જ્યાં જર્જરિત ગોદામ આવેલાં હતાં. તેની પાસે એક ટાંકો દેખાયો હતો, જેની તપાસ કરતાં તેમાં પણ દારૂ મળી આવ્યો હતો. આ ટાંકામાંથી ગ્રીન લેબલની 750 મિ.લિ.ની 1788 બોટલ, 8 પી.એમ.ના 1488 ક્વાર્ટરિયા મળી આવ્યા હતા તેમજ ગ્રીન લેબલના 1584 ક્વાર્ટરિયા મળ્યા હતા. પોલીસે આ જગ્યાએથી કુલ રૂા. 30,41,160ની નાની-મોટી 14,040 બોટલો જપ્ત કરી હતી તેમજ ત્રણ કાર, એક  ટ્રેક્ટર એમ કુલ રૂા. 63,41,160નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. આ વાહનોમાં કોણ હતો ? ખેતર કોનું છે ? કોણે રાજસ્થાન બનાવટનો દારૂ મગાવ્યો હતો ? કોણ આપી ગયું ? કોણે મોકલાવ્યો હતો. ક્યાં-ક્યાં જવાનો હતો તે સહિતની વિગતો બહાર આવી નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ક્રાઇમ-બેના પીએસઆઇ એ. પી. વાઘેલા, ટીમના ભગીરથસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, વિજય ડાંગર, ઇશ્વરસિંહ જાડેજા તથા લાકડિયા પોલીસ મથકના દશરથભાઇ બ્રાહ્મણ, રામજીભાઇ મરંડ, હકુમતસિંહ જાડેજા વગેરે જોડાયા હતા. - જૂના કટારિયા દારૂ પ્રકરણે બે પોલીસ કર્મીની બદલી : ગાંધીધામ, તા. 13 : જૂના કટારિયાની સીમમાં 30.41 લાખના દારૂ પ્રકરણમાં પૂર્વ કચ્છ એલસીબીના બે કર્મીની જવાબદારી બેસાડી તેમની બદલી કરવામાં આવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ જૂના કટારિયાની સીમમાં સરહદી રેન્જની ક્રાઈમ-બેની ટીમે રૂા. 30.41 લાખનો દારૂ ઝડપી પાડયો હતો. જો કે, આરોપી હાથમાં આવ્યા ન હતા. દરમ્યાન આવડી મોટી માત્રામાં દારૂનું કટિંગ થતું હતું અને સ્થાનિક ગુનાશોધક શાખાને જાણ સુદ્ધાં ન થતાં બે કર્મીની જવાબદારી બેસાડવામાં આવી હતી અને એક કર્મીની ગાગોદર તથા બીજાની હેડક્વાર્ટર ખાતે તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવ્યા હતા. જો કે, આ બંને પૈકી એક પાસે કંડલા અને એક પાસે આદિપુરની જવાબદારી હતી તથા જેની લાકડિયાની જવાબદારી હતી તેમની સામે કોઈ જ કાર્યવાહી ન કરાઈ હોવાનો ગણગણાટ પોલીસ બેડામાં સાંભળવા મળ્યો હતો.

 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd