ભુજ, તા. 13 : ભુજ રેલવે સ્ટેશન બહાર રોડ
પર આડેધડ પાર્ક કરાતાં વાહનોના પગલે રસ્તો બંધ થઈ જાય છે, જેથી મુસાફરોને અવર-જવરમાં પારાવાર મુશ્કેલી
પડી રહી છે. ભુજ રેલવે સ્ટેશનની બહાર રોડ પર ઈકો ગાડીઓના, ખાનગી
પેસેન્જર પાસિંગ ગાડીઓના જમાવડા અને આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા
સર્જાય છે. વધુમાં રિક્ષા સહિતના મુસાફરવાહનો મનફાવે તે રીતે રોડ પર પાર્ક કરાય છે,
જેથી મુસાફરો, રાહદારીઓ અને સ્થાનિક લોકોને ભારે
મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગેરકાયદેસર ખાનગી પેસેન્જર પાસિંગ તથા આડેધડ પાર્કિંગ
સામે કડક કાર્યવાહી કરવામાં આવે આવે તેવી માંગ મુસાફરોમાંથી ઊઠી રહી છે. હાલે નવરાત્રિને
અનુલક્ષીને મુસાફરોનો વિશેષ ધસારો રહે છે. વધુમાં દર વર્ષે દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં
સહેલાણીઓ કચ્છના વિવિધ ધાર્મિક, પ્રવાસન ક્ષેત્રોની મુલાકાતે
આવે છે. આવી સ્થિતિમાં અહીં આવતા પ્રવાસીઓ આ રીતે આડેધડ પાર્ક કરાતાં વાહનોના કારણે
ખોટી છાપ લઈ જાય છે. અધુરામાં પૂરું હવે દીપોત્સવી તહેવારોને ગણતરીના દિવસો બાકી છે
અને આ તહેવારો તેમજ દિવાળી વેકેશન દરમ્યાન પ્રવાસી મોટી સંખ્યામાં આવતા હોય છે,
ત્યારે આડેધડ રીતે રોડ પર વાહનો પાર્ક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં
આવે તેવી માંગ મુસાફર વર્ગમાંથી ઊઠી છે.