નવી દિલ્હી, તા.13 : આંતરરાષ્ટ્રીય
ક્રિકેટ પરિષદ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી મહિલા વન-ડે બાટિંગ રેન્કિંગમાં ભારતની
નવનિયુક્ત સુકાની સ્મૃતિ મંધાનાએ 790 રાટિંગ પોઇન્ટ્સ સાથે પોતાનું વિશ્વનું નંબર વન સ્થાન અકબંધ
રાખ્યું છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની
દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ પેરી 650 પોઇન્ટ્સ સાથે ટોપ-10માં વાપસી કરતાં દસમા સ્થાને પહોંચી છે. ભારતીય ટીમની પૂર્વ
સુકાની હરમનપ્રીત કૌર બાટિંગ ચાર્ટમાં નવમા સ્થાને યથાવત્ રહી છે. વન-ડે બાલિંગ રેન્કિંગમાં ઓફ-સ્પિનર દીપ્તિ શર્મા
એક સ્થાન સરકીને નવમા સ્થાને આવી ગઈ છે, જ્યારે વન-ડે ઓલરાઉન્ડર્સમાં તે છઠ્ઠો ક્રમાંક ધરાવે છે. વૈશ્વિક સ્તરે ભારતીય
મહિલા ટીમ વન-ડે તેમજ ટી-20 બન્ને ફોર્મેટમાં
ત્રીજાં સ્થાને અડગ છે. ટી-20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં
ભારતની વિસ્ફોટક ઓપનર શેફાલી વર્મા ચોથા, સ્મૃતિ મંધાના પાંચમા અને હરમનપ્રીત કૌર દસમા ક્રમે છે. ટી-20 બાલિંગ ચાર્ટમાં શ્રીચરણી અને
દીપ્તિ શર્માએ ટોચનાં બે સ્થાન પર કબજો જમાવી ભારતનો દબદબો સાબિત કર્યો છે. આ ઉપરાંત
ટી-20 ઓલરાઉન્ડર્સની ટોપ-10 યાદીમાં દીપ્તિ ચોથાં સ્થાને
રહીને એકમાત્ર ભારતીય ખેલાડી તરીકે સ્થાન જાળવી શકી છે.