• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

પદયાત્રીઓ પાંચ ટ્રક ભરાય તેટલાં પગરખાં છોડી ગયાં

માતાના મઢ (તા. લખપત), તા. 13 : મા આશાપુરાના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ સહિતના ભાવિકોનો સોમવારે ધસારો ઘટતાં શનિ-રવિવારે બેથી ત્રણ કલાક લાઈનમાં ઊભવું પડતું હતું. તેના બદલે મંગળવારે 10 મિનિટમાં નિજ મંદિરમાં પ્રવેશ મળી રહ્યો હતો. ભાવિકો માટે બનાવાયેલું રેલિંગ ખાલી ભાસતું હતું. આસો નવરાત્રિના આજે ત્રીજા નોરતે પદયાત્રીઓનો પ્રવાહ ધીમો પડતાં સરકારી તેમજ સ્થાનિક તંત્રને રાહત મળી છે. ભુજથી મા. મઢના માર્ગ પર જે સેવા કેમ્પો ધમધમતા હતા તેના મંડપ છૂટી રહ્યા છે. આ માર્ગ ઉપર એકલ-દોકલ પદયાત્રી મઢ તરફ આવતા દેખાઈ રહ્યા છે. ગત શનિ, રવિ દરમ્યાન માતાના મઢમાં સફાઈ કામદારો ઝાડુ ન લગાવી શકે તેવી ભરચક ભીડ હતી, પણ આજે શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટતાં, મઢ જાગીર ગ્રામ પંચાયતના સફાઈ કામદારો કામે લાગ્યા હતા. પાંચ મોટી ટ્રકો ભરાય તેટલાં પગરખાં પદયાત્રીઓ મુખ્ય મંદિરના પ્રવેશદ્વાર પાસે છોડી ગયાં છે, જે ટ્રેકટરો દ્વારા ઉપાડી  અન્ય સ્થળે મૂકવામાં આવ્યા છે. દર વર્ષે આ પગરખાંઓને જમીનમાં દાટીને તેનો નિકાલ કરવામાં આવે છે. સપ્તમી હવન રવિવારે હોતાં ફરી હજારોની સંખ્યામાં વાહનો દ્વારા શ્રદ્ધાળુ માતાજીનાં દર્શને આવશે તેવો અંદાજ બાંધી સ્થાનિક તંત્ર આયોજન કરી રહ્યું છે. શ્રાદ્ધપક્ષની દશમથી લઈ ત્રીજાં નોરતાં સુધી છ લાખથી વધુ દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરી પોતાનાં ગંતવ્ય સ્થાને પરત ફરી ચૂક્યા છે. તા. 18/10ના રવિવારની રાત્રિએ રાત્રિના 8:30 કલાકે હવનનો પ્રારંભ થશે. આ રાત્રિએ પરંપરા મુજબ આખીર રાત મંદિરના કપાટ ખુલ્લા રહેશે. રાત્રિના 12:15 કલાકે રાજાબાવા યોગેન્દ્રસિંહના હસ્તે બીડું હોમાશે ત્યારબાદ ગાદીપતિ માતાજીની આરતી ઉતારશે. જવારાનો પ્રસાદ ભક્તોને વિતરણ કરાશે. આઠમની સવારે કચ્છ રાજપરિવાર પતરીવિધિ કરશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd