• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

યુપીઆઈ પરના વેરામાં દિવાળી સુધી રાહત

નવી દિલ્હી, તા. 13 : યુપીઆઈ દ્વારા મોટા પેમેન્ટ કરતા ગ્રાહકો અને વેપારીઓ માટે એક મહત્વના ઘટનાક્રમમાં 2,000 રૂપિયાથી વધુના યુપીઆઈ વ્યવહાર ઉપર લાગુ થનારો નવો એમડીઆર ચાર્જ હવે 15 અૉક્ટોબરથી લાગુ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. એનપીસીઆઈએ એમડીઆર ચાર્જ લાગુ કરવાના નિર્ણયને દિવાળી સુધી મુલતવી રાખી દીધો છે. ઉલ્લેખનીય છે કે, વેપારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે આ ચાર્જ લાગુ કરવાનો નિર્ણય તહેવારો સુધી ટાળવામાં આવે. હવે સરકારે યુપીઆઈમાં યુટર્ન લીધો છે. નિયમાનુસાર નિર્ધારિત વેપારી ટ્રાન્ઝેક્શન પર યુપીઆઈ એમડીઆર હવે દિવાળી પછી લાગુ થશે. એનપીસીઆઈએ તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે કે પસંદગીના પર્સન-ટુ-મર્ચન્ટ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) દિવાળી પૂરી થયા પછી તરત લાગુ કરવામાં આવશે. દુર્ગાપૂજા અને દિવાળી જેવા મોટા તહેવારો પહેલાં વેપારીઓ માટે આ રાહતભર્યો નિર્ણય છે કારણ કે તહેવારોની મોસમમાં લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરે છે અને રોકડને બદલે યુપીઆઈ પેમેન્ટનો પણ વધુ ઉપયોગ કરે છે. વેપારી સંગઠનોનું કહેવું હતું કે તહેવારોની મોસમ દરમિયાન નવો નિયમ લાગુ કરવાથી આમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં એનપીસીઆઈનો આ નિર્ણય વેપારીઓ માટે મોટી રાહત સમાન છે. ઉલ્લેખનીય છે કે, એમડીઆર લાગુ થવાની જાહેરાત બાદથી જ યુપીઆઈના ટ્રાન્ઝેકશનમાં ઘટાડો થયો હતો. જો કોઈ ગ્રાહક દુકાનદારને (પીટૂએમ) 2,000થી વધુનું યુપીઆઈ પેમેન્ટ કરે છે, તો તેના પર 0.4 ટકા એમડીઆર ચાર્જ લાગશે. એટલે કે 3,000ના પેમેન્ટ પર વેપારી પાસેથી 12 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. આવી જ રીતે 75,000ના પેમેન્ટ પર 0.4 ટકા ચાર્જ મુજબ 300 ચૂકવવા પડશે. એનપીસીઆઈએ ચાર્જની મહત્તમ મર્યાદા 300 નક્કી કરી છે. એટલે કે, પેમેન્ટની રકમ 75,000થી વધુ હોય તો પણ મહત્તમ ચાર્જ 300 જ રહેશે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd