• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

કપાસનાં ઓછાં ઉત્પાદને ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું

રફીક ચાકી દ્વારા : કોટડા (ચ), તા. ભુજ, તા. 13 : ભુજ તાલુકાના કોટડા ચકાર, રેહા, પધ્ધર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ વર્ષે કપાસના સારા ભાવ હોવા છતાં અપેક્ષા મુજબનું ઉત્પાદન ન મળતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ બજારમાં કપાસના સારા ભાવ મળી રહ્યા છે, બીજી તરફ ખેતરમાંથી પૂરતો કપાસ હાથમાં ન આવતાં ખેડૂતોની આવક પર અસર પડી રહી છે. આખું વર્ષ મહેનત કરીને મોંઘા બિયારણ, ખાતર, દવા, પિયત અને મજૂરી પાછળ ખર્ચ કર્યા બાદ પણ ધારણા મુજબનો પાક ન મળે તો સારા ભાવનો લાભ મેળવવો મુશ્કેલ બને છે. પંથકના ખેડૂતોની આ જ વેદના છે.  ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસ ખેડૂતો માટે મહત્ત્વનો રોકડિયો પાક ગણાય છે. વર્ષ દરમિયાન ખેતી પાછળ કરેલી મહેનત અને ખર્ચનું વળતર કપાસના ઉત્પાદન તથા બજારમાં મળતા ભાવ પર આધારિત હોય છે. ખેડૂતો સારા ઉત્પાદનની આશા સાથે સમયસર ખેડાણ, બિયારણનું વાવેતર, ખાતરનો ઉપયોગ, પિયત, દવાનો છંટકાવ અને મજૂરી સહિતની કામગીરી દ્વારા પાકની માવજત કરે છે. જોકે, ચાલુ વર્ષે કપાસના સારા ભાવ હોવા છતાં અપેક્ષા પ્રમાણેની ઉપજ ન મળતાં ખેડૂતોની આવકની ગણતરી ખોરવાઈ રહી છે. પંથકના ખેડૂતો અને સ્થાનિક આગેવાનોમાં પણ કપાસના પાક અને ઉત્પાદનની સ્થિતિને લઈને ચિંતા જોવા મળી રહી છે. કોટડાના સરપંચ અને ખેડૂત મનસુખભાઈ માકાણી, રેહાના સરપંચ અને ખેડૂત ગેલુભા હઠુભા જાડેજા, ચકારના રમેશભાઈ ગઢવી, કોટડાના વેપારી નારણભાઈ મહેશ્વરી તથા પધ્ધરના રમેશભાઈ ખેતાભાઈ આહિર સહિતના લોકોએ પંથકમાં કપાસના પાક અને ઉત્પાદન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.   સામાન્ય રીતે અનુકૂળ પરિસ્થિતિમાં આ વિસ્તારમાં એકરદીઠ અંદાજે 25થી 35 મણ કે તેથી વધુ કપાસનું ઉત્પાદન થતું હોવાનું ખેડૂતો જણાવે છે. વાતાવરણમાં વારંવાર થતા ફેરફારો, કમોસમી ઝાપટાં અને માવઠા જેવા માહોલને કારણે પાકની સ્થિતિ પર અસર પડી હોવાની પણ ખેડૂતોમાં ચર્ચા છે. કપાસના છોડ પર જીંડવાં બેસવા, ખીલવા અને કપાસ તૈયાર થવાની પ્રક્રિયા દરમિયાન વાતાવરણની સ્થિતિ મહત્ત્વની હોય છે. આવા સંજોગોમાં પ્રતિકૂળ વાતાવરણ સર્જાય તો પાકની વૃદ્ધિ અને ઉત્પાદન પર અસર થવાની ભીતિ રહે છે.  કપાસના પાક માટે બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ટ્રેક્ટરથી ખેડાણ, પિયત માટેનું પાણી અને મજૂરી પાછળ મોટો ખર્ચ કરવો પડે છે. વાવેતરથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધી અનેક તબક્કે નાણાં ખર્ચવા પડે છે. આટલી મહેનત અને ખર્ચ કર્યા બાદ પણ જો ઉત્પાદન ઓછું મળે તો ખેતી પાછળ કરેલી મૂડી સરભર કરવી મુશ્કેલ બને છે. કપાસના સારા ભાવ ખેડૂતો માટે આશાસ્પદ હોવા છતાં ઓછું ઉત્પાદન તેમની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. જો એકરદીઠ પૂરતી ઉપજ મળે તો સારા ભાવના કારણે ખેડૂતોને સારી આવક મળી શકે, પરંતુ ખેતરમાંથી ઓછો કપાસ ઉતરતાં આવક મર્યાદિત રહે છે, જ્યારે ખેતી પાછળ થયેલો ખર્ચ યથાવત્ રહે છે. પરિણામે, બજારમાં કપાસના ભાવ ઊંચા હોવા છતાં ખેડૂતોને અપેક્ષિત આર્થિક વળતર મળતું નથી.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd