ગાંધીધામ, તા. 13 : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નવરાત્રિ
પર્વ દરમિયાન ગાંધીધામ, અંજાર અને
ભચાઉ શહેરોમાં કાયદો, વ્યવસ્થા અને ટ્રાફિકનું સુચારુ સંચાલન
કરવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના `સેફ એન્ડ સિક્યોર ગુજરાત' પ્રોજેક્ટ અંતર્ગત સ્થાપિત સીસીટીવી કેમેરા
અને આધુનિક ટેક્નોલોજીની મદદથી `નેત્રમ' (કમાન્ડ
એન્ડ કંટ્રોલ સેન્ટર) દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભીડભાડવાળા વિસ્તારો
અને ગરબા ગ્રાઉન્ડ આસપાસ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નેત્રમ કંટ્રોલરૂમમાં મહિલા પોલીસ
કર્મચારીઓને સતત સીસીટીવી મોનિટારિંગ માટે તૈનાત કરવામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડ આસપાસના
વિસ્તારોમાં વાહનોની ગતિવિધિઓ પર નજર રાખીને ગ્રાઉન્ડ પર ફરજ બજાવતી પોલીસ ટીમ તથા
`ડાયલ-112' મોબાઇલ ટીમને
ત્વરિત જાણ કરવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં એ.એન.પી.આર કેમેરા અને હાઇ-રિઝોલ્યુશન
કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભીડ અથવા મોબાઇલ ચોરી તેમજ ચિલઝડપ જેવા બનાવો
બને, ત્યારે તરતજ સીસીટીવી ફૂટેજ અને આરોપીનો ફોટો
સ્થળ પરના પોલીસ કર્મચારીઓને ટેબ્લેટ દ્વારા મોકલી દેવાય છે, જેથી ગુનેગારોને ત્વરિત પકડી શકાય. રાત્રિના સમયે પણ સ્પષ્ટ દૃશ્યો મળી રહે
તે માટે ગાંધીધામ, અંજાર અને ભચાઉ શહેરના આશરે 400 જેટલા સીસીટીવી કેમેરા નાઇટ
વિઝન મોડ પર રાખવામાં આવ્યા છે. રોડ પર શંકાસ્પદ રીતે સતત આંટાફેરા મારતા ઇસમો પર નજર
રાખી તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ગરબા દરમિયાન જો કોઈ બાળક ખોવાઈ જાય, તો સીસીટીવી ફૂટેજની મદદથી તેનું લોકેશન ટ્રેક
કરીને ત્વરિત શોધખોળ કરવામાં આવે છે. તેમજ કેમેરા દ્વારા ટ્રાફિકની ઘનતાનું નિરીક્ષણ
કરી ટ્રાફિકજામની સ્થિતિમાં તુરંત ટ્રાફિક પોલીસને જાણ કરાય છે અને વધુ ભીડભાડ સર્જાય,
ત્યારે કંટ્રોલરૂમથી સૂચનાઓ આપીને ભીડનું યોગ્ય નિયંત્રણ કરવામાં આવે
છે. આ આધુનિક ટેક્નોલોજી અને પોલીસની સતર્કતાના કારણે નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં
ઉત્સાહભેર નવરાત્રિ પર્વની ઉજવણી કરી રહ્યા છે.