ભુજ, તા. 10 : વર્ષ 2001ના ગોઝારા ભૂકંપ બાદ નિરાધાર
બાળકોને મદદરૂપ થવાના આશય સાથે ભુજ-અંજાર ધોરીમાર્ગ પર ભુજોડી-કુકમા વચ્ચે એસ.ઓ.એસ.
ચિલ્ડ્રન વિલેજ શરૂ થયું. અહીં આસરો મેળવી અનેક બાળકો યુવાન થઈ નવી કારકિર્દીમાં આગળ
વધ્યા છે, પરંતુ આ સંસ્થામાં અમાનવીય કૃત્યની ઘટના બહાર
આવતાં ખળભળાટ મચ્યો છે. સંસ્થાના બાળકોને નાની-નાની બાબતોમાં ઢોરમાર મારવા,
ગાળો આપવા અને મોઢા પર માનવ મળ ફેંકવા જેવા અત્યાચાર ગુજારવા બાબતે ગૃહમાતા
વિરુદ્ધ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરાવાઈ છે. આ મામલે જિલ્લા
બાળ સુરક્ષા એકમ, કચ્છ-ભુજના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલકુમાર
બાબુલાલ ડોરિયા દ્વારા માધાપર પોલીસ સ્ટેશન ખાતે વિધિવત લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી
છે. ભુજોડી ઓવરબ્રિજ નજીક આવેલા જઘજ ચિલ્ડ્રન
વિલેજમાં `િચલ્ડ્રન
હોમ ફોર બોયઝ' અને `િચલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ'નું સંચાલન કરવામાં આવે છે, જ્યાં બાળ કલ્યાણ સમિતિ દ્વારા આશ્રિત અને જરૂરિયાતમંદ બાળકોને સંસ્થાગત આશ્રય
આપવામાં આવે છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર,
મે-2026 દરમિયાન સંસ્થામાં
`મધર'
તરીકે ફરજ બજાવતા લતીફા બેગમ દ્વારા નાના અને અસહાય બાળકોને નાની-નાની
બાબતોમાં અમાનુષી રીતે માર મારવામાં આવતો હતો. આ ઉપરાંત બાળકોને અત્યંત ગંદી અને માનસિક
આઘાત પહોંચાડે તેવી ગાળો આપવામાં આવતી હતી. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી દેવામાં આવી
જ્યારે આરોપી મધર લતીફા બેગમે બાળકોના મોઢા પર માનવમળ ફેંકીને અત્યંત ઘૃણાસ્પદ અને
માનવ અધિકારોનું ખંડન કરતું કૃત્ય આચર્યું હતું. દરમ્યાન પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
છે કે, સંસ્થાના જવાબદાર પદાધિકારીઓને આ અમાનવીય ઘટના વિશે જાણ
હોવા છતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવવાને બદલે માત્ર આરોપી મધરની બદલી કરી આંતરિક તપાસનો
સંતોષ માન્યો હતો. લાંબો સમય વીત્યા પછી પણ
સંસ્થા તરફથી કોઈ નક્કર નિર્ણય કે કાયદેસરની કાર્યવાહી ન કરાતાં સંસ્થાના વહીવટી તંત્રની
ગુનાહિત બેદરકારી અને સંડોવણી પણ સ્પષ્ટ છતી થતી હોવાની વિગતો પણ ફરિયાદમાં લખાવાઈ
છે. માધાપર પોલીસ સ્ટેશનના મહિલા નીતાબા કનકાસિંહ જાડેજા કેસની તપાસ ચલાવી રહ્યા છે.