ભુજ, તા. 10 : તાજેતરમાં મહારાષ્ટ્રના સાતારા
ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત સાતારા હાફ મેરેથોનમાં ભુજ રનર્સના 21 જેટલા દોડવીરે સફળતાપૂર્વક
ભાગ લીધો હતો, ભારતની અગ્રણી હાફ મેરેથોન
દોડમાંની એક ગણાતી આ સ્પર્ધામાં દેશભરમાંથી આશરે નવ હજાર જેટલા દોડવીરે ભાગ લીધો હતો.
ભુજ રનર્સના ડો. આલાપ અંતાણીની યાદીમાં જણાવ્યા મુજબ 21 કિલોમીટરની આ હાફ મેરેથોનની
વિશેષતા તેનું પડકારજનક ભૂપ્રદેશ છે. દોડના પ્રથમ 11 કિલોમીટરમાં આશરે 1,200 ફૂટનું આરોહણ કરવાનું રહે છે. આ આરોહણની સરખામણી કચ્છના ધ્રોબાણા
વિસ્તારથી કાળા ડુંગર સુધીના ચઢાણ સાથે કરી શકાય. પ્રથમ 11 કિલોમીટરનું આ કઠિન ચઢાણ પૂર્ણ
કર્યા બાદ દોડવીરોએ એ જ માર્ગ પરથી પરત ફરી ફિનિશ લાઇન સુધી પહોંચવાનું હોય છે. આ કારણે
સાતારા હાફ મેરેથોન દોડવીરોની શારીરિક ક્ષમતા, સહનશક્તિ અને માનસિક મજબૂતીની વિશેષ કસોટી લે છે. જો કે, સમગ્ર દોડ દરમિયાન માર્ગની આસપાસ જોવા મળતી સહ્યાદ્રી પર્વતમાળાની લીલીછમ હરિયાળી
અને મનોહર કુદરતી દૃશ્યો દોડવીરોને સતત પ્રેરણા આપતા રહે છે. ઉલ્લેખનીય છે કે ભુજ રનર્સના
સભ્યો દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની મેરેથોન દોડમાં વિવિધ શહેરોમાં
ભાગ લેવામાં આવે છે. છેલ્લાં આઠ વર્ષથી ભુજ રનર્સ દ્વારા નિયમિત રીતે લાંબા અંતરની
દોડ અને મેરેથોન પ્રવૃત્તિઓનાં માધ્યમથી ભુજ શહેરમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગે જાગૃતિ
ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સતત પ્રવૃત્તિઓનાં પરિણામે ભુજ શહેરમાં લાંબા
અંતરની દોડ પ્રત્યેનો રસ વધ્યો છે અને મેરેથોન દોડવીરોની સંખ્યા પણ સતત વધી રહી છે.
ભુજ રનર્સનો મુખ્ય ઉદ્દેશ માત્ર મેરેથોનમાં ભાગ લેવાનો નહીં, પરંતુ `દોડો અને
સ્વસ્થ રહો'ના સંદેશને સમાજના વધુમાં
વધુ લોકો સુધી પહોંચાડવાનો છે.