નવી દિલ્હી, તા. 10 : દેશના ચૂંટણીપંચના
વડા જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ સાથે શનિવારે રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા
પાર્ટી (સીજેપી)એ જંતરમંતર પર બીજા દોરનું ઉગ્ર આંદોલન છેડવા સવારથી કમર તો કસી હતી, પરંતુ ચોમેર તૈનાત 40 હજાર જેટલા જવાનોએ સીજેપી નેતાઓ, ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત સાત હજારથી વધુ
પ્રદર્શનકારીઓની અધવચ્ચે જ અટક કરી લીધી હતી, જેના કારણે જંતરમંતર
પર કોકરોચ પાર્ટી દેખાવકાર સમુદાયને એકઠો કરી શકી નહોતી. કોંગ્રેસ સહિત વિપક્ષો તેમજ
સીજેપી નેતાઓએ એકીઅવાજે આ પગલાંનો વિરોધ કરતાં કહ્યું હતું કે, આ તો કટોકટી કરતાં પણ ખરાબ સ્થિતિ છે અને કેન્દ્ર સરકાર ડરી ગઈ છે. દિલ્હીની
સાથે મુંબઈ, અમદાવાદ, કોલકાતા સહિતના શહેરોમાં
પણ સીજેપી તેમજ ડાબેરી સંગઠનોએ દેખાવો કર્યા હતા. પોલીસે મોટા પાયે કાર્યકરોની અટકાયત
કરી હતી. સુપ્રીમ કોર્ટે આવતીકાલે રવિવારે મેટ્રો ટ્રેન સેવાઓ પર પૂર્ણ રોક નહીં મૂકવાના
આદેશની અવગણના બદલ અધિકારીઓ સામે અદાલતની અવહેલનાની કાર્યવાહીની માંગ કરતી અરજી પર
ખાસ બેઠકમાં સુનાવણી કરશે. સીજેપી સ્થાપક અભિજિત દીપકે, સૌરવ
દાસ, આશુતોષ રાંકાની તો સવારે જ વિમાનમાંથી જ અટક કરી લેવાઈ હતી.
ત્યારબાદ સીજેપીનું સુકાન સંભાળનાર અજિંક્ય શિંદેએ એલાન કર્યું હતું કે, આ લડાઈ લાંબી ચાલશે. આવતીકાલે રવિવારે ફરી સીજેપી જંતરમંતર તરફ કૂચ કરશે. સીજેપીના ત્રણ નેતાઓ તેમજ યુ-ટયુબર ધ્રુવ રાઠીની
અટક કરાઈ હતી. ત્યારબાદ ચાર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, માણિક સરકાર અને પિનરાઈ વિજયનની પણ સુરક્ષા
દળના જવાનોએ અટક કરી હતી. કેજરીવાલને તો ટીંગાટોળી કરીને જવાનો લઈ ગયા હતા. સીપીઆઈ
(એમ) મહામંત્રી એમ.એ. બેબી, ડાબેરી નેતા વૃંદા કરણ, એક્ટિવિસ્ટ યોગેન્દ્ર યાદવ, વકીલ પ્રશાંત ભૂષણ,
અખિલ ભારત છાત્ર સંગઠન નેહા બોરાની પણ અટક કરાઈ હતી. મુંબઈથી રવાના થયા
પછી દિલ્હીમાં વિમાન ઊતરતાંની સાથે જ દિલ્હી પોલીસે અટક કરતાં દીપકેએ એક વીડિયો સંદેશમાં
કહ્યું હતું કે, અમે કોઈ અપરાધી હોઈએ તેમ પકડી લીધા છે. દિલ્હીમાં
લુટિયન્સ સહિત વિસ્તારોમાં ભારે ભરખમ બેરિકેડ અને હજારો જવાનોની તૈનાતી કરી પ્રદર્શનકારીઓને
જંતરમંતર પર પહોંચવા નહોતા દેવાયા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વીડિયો જારી કરીને કહ્યું
હતું કે, પ્રદર્શન જારી રખાશે. આપણે દેશ બદલશું. કોંગ્રેસ મહામંત્રી
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, સરકારને સત્ય સામે આવી જવાનો
ડર છે. બીજી તરફ મુંબઈમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાન પર સીજેપીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન
કરી રહેલા 400 દેખાવકારોની
અટક કરાઈ હતી. એ જ રીતે પૂણેમાં પણ તુષાર ગાંધી,
100 પ્રદર્શનકારીઓને પકડી લેવાયા
હતા. જનસુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, દિલ્હીના માર્ગો પર 40 હજાર જેટલા જવાનો ઉતારી દેવાયા
છે. તેના પરથી જ દેખાય છે કે સરકાર આંદોલનથી કેટલી ડરી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ
આ કાર્યવાહી પર ચિંતા વ્યકત કરતાં તમામ પ્રદર્શનકારીને તરત મુક્ત કરી દેવાની માંગ કરી
હતી.