રશ્મિન પંડ્યા દ્વારા : અંજાર, તા. 10 : કચ્છની પવિત્ર ધરતી પર ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચેતનાનો દિવ્ય માહોલ
સર્જવાના હેતુથી રાપર સ્થિત પવિત્ર રવેચી માતાજી ધામ ખાતે આગામી તા. 25 માર્ચથી 31 માર્ચ, 2027 દરમિયાન રમેશભાઈ
ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન
કરવામાં આવ્યું છે. આ આયોજનના શુભ પ્રારંભરૂપે
મુહૂર્ત પત્ર આયોજકોને આપવામાં આવ્યો હતો.
પોરબંદરના તીર્થધામ સાંદીપનિ આશ્રમ ખાતે આયોજક મંડળના અગ્રણીઓએ ભાઈશ્રી સાથે
મુલાકાત કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ભાગવતાચાર્યના હસ્તે ભાગવત
સપ્તાહના આયોજનનો શુભ મુહૂર્ત પત્ર પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. રવેચી માતાજીના સાનિધ્યમાં
યોજાનારી આ કથાના આયોજનના પ્રસંગે ભુજોડી આહિર કન્યા છાત્રાલયના પ્રમુખ બાબુભાઈ હુંબલ, પંકજભાઈ કોઠારી, રમેશભાઈ
જૈન, જશુભા જાડેજા તથા ધનજીભાઈ કેરાસિયા સહિતના અગ્રણીઓ પોરબંદર
સ્થિત સાંદીપનિ આશ્રમ ખાતે પહોંચ્યા હતા. આ
દરમિયાન આગામી કથાના આયોજન અંગેની ભાવના વ્યક્ત કરી આશીર્વાદ મેળવ્યા હતા. પત્ર
મેળવી તૈયારીઓના પ્રારંભની વિધિ સંપન્ન કરી
હતી. રમેશભાઈ ઓઝા વર્ષોથી શ્રીમદ્ ભાગવત કથાના માધ્યમથી દેશ-વિદેશમાં ભક્તિ,
સંસ્કાર અને ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય સંદેશનો પ્રસાર કરી રહ્યા છે. તેમના
વ્યાસાસને યોજાનારી આ ભાગવત સપ્તાહ કચ્છના ધાર્મિક અને આધ્યાત્મિક જગતમાં વિશેષ મહત્ત્વ
ધરાવશે. સાત દિવસ દરમિયાન શ્રીમદ્ ભાગવતના પાવન પ્રસંગો, ભગવાન
શ્રીકૃષ્ણની લીલાઓ અને જીવનને સદ્ માર્ગે દોરતા આધ્યાત્મિક વિચારોના શ્રવણનો લાભ ભાવિકોને
પ્રાપ્ત થશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાપરના રવેચી માતાજી ધામ ખાતે
યોજાનારી આ ભાગવત સપ્તાહમાંમાં રવેચીના આશીર્વાદ અને ભાગવતાચાર્ય રમેશ ભાઈ ઓઝાના આધ્યાત્મિક સાનિધ્યનો સમન્વય સર્જાશે. આયોજનને લઈને આયોજકો દ્વારા તૈયારીઓ પણ આરંભાઈ ચૂકી
છે. ધાર્મિક આસ્થા સાથે ભારતીય સંસ્કૃતિ, સદાચાર, ભક્તિભાવ અને માનવીય મૂલ્યોને ઉજાગર કરતી આ કથા ભાવિકજનો માટે આધ્યાત્મિક પ્રેરણાનું
માધ્યમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ આયોજન ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચેતનાનો દિવ્ય સંગમ બની સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદભાવનાનો સંચાર કરે તથા સમગ્ર કચ્છમાં
ધર્મ અને સંસ્કારની ભાવનાને વધુ પ્રબળ બનાવે તેવી પ્રાર્થના આયોજકો દ્વારા કરવામાં
આવી હતી.