• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

માવડી મઢવાળી રે, આશાપુરા સૌની રખવાળી...

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : પહેલાં આસો નોરતે સૌને શુભેચ્છાઓ... અશ્વિન નોરતાંનાં આગમન સાથે દેવીભક્તિનો માહોલ છવાઇ જાય છે. ગુજરાત - કચ્છમાં ઠેર ઠેર આદ્યશક્તિનાં બેસણાં છે. અંબાજીમાં દર વર્ષે લાખો ભક્તો ઊમટે, પાવાગઢમાં કાલિકામાતા બિરાજમાન છે. ખોડલધામમાં ખોડિયારનાં બેસણાં છે. ઊંઝામાં ઉમિયામાતાના આશીર્વાદ મળે. બહુચરાજીમાં બહુચરામાનાં દર્શને ભાવિકો ઊમટે છે. ચોટીલામાં ચામુંડામાતાનાં દર્શને પણ લાખો લોકો ઊમટે છે. કચ્છનું માતાના મઢ ધામ પણ એવું જ મહિમામય બની રહ્યું છે. કચ્છની વાત કરીએ તો દરેક વિસ્તારમાં શક્તિપીઠ સ્થાપિત છે. મઢમાં દેશદેવી આશાપુરા, ભુજમાંય આશાપુરા મંદિરે દરેક તહેવારો - શુભ પ્રસંગોએ દર્શન કરવાનું મુખ્ય ધામ બની રહ્યું છે. રવમાં રવેચી, મમાયમોરામાં મોમાય માને પૂજનારો મોટો વર્ગ છે. નેત્રામાં જોગમાયા, વિંઝાણમાં વિંધ્યવાસિની, હબાયમાં વાઘેશ્વરી દેવી, રુદ્રમાતામાં રુદ્રાણીદેવીનાં બેસણાં છે. ગોધરા (માંડવી)નું અંબેધામ અને ભચાઉ પંથકમાં કબરાઉ પાસે મોગલધામ જાણે મોટાં તીર્થધામ બની રહ્યાં છે. માંડવીમાં રતડિયા શ્રીપીઠનો પ્રતાપ વિસ્તર્યો છે. દરિયાકાંઠે આશરમાતાની ફરફરતી ધજા શ્રદ્ધાળુઓને ખેંચે છે. ગઢશીશામાં અંબેમા, ડોણમાં આયુમાતા અને કોટડા (ચ) પંથકમાં ભેડમાતા, ખડીરમાં રણકાંધીએ એકલમાનો ઘણો મહિમા છે. ગાંધીધામ - આદિપુર વિસ્તારમાં સંતોષીમાતા મંદિર દક્ષિણ ભારતીય શૈલીથી બંધાયું છે. અંજાર તાલુકામાં જોગણીનાળમાં 64 જોગણીનાં દર્શન મનને શાતા આપે છે. જરૂમાં બહુચરાજીમાતા અને વીરામાં હરસિદ્ધિમાતા, વાંઢાયમાં ઉમિયામા, દેશલપર (ગું.)માં ગુંતલીમાતા એ વિસ્તારની રક્ષા કરતાં બિરાજે છે. કચ્છભરમાં ગાયત્રી શક્તિપીઠોની ઊર્જા કચ્છનાં રખોપાં કરી રહી છે. કચ્છ માટે નવરાત્રિ શક્તિપૂજા અને સેવાનો અનેરો સંગમ બની રહે છે. પરંપરાગત અને પ્રોફેશનલ રાસગરબા સાથે માતાના મઢની પદયાત્રા વણાઇ ચૂકી છે. ભક્તોનાં અરમાન પૂરાં કરતી દેશદેવી મા આશાપુરાનાં માતાના મઢમાં દર્શન થાય છે. નવરાત્રિમાં માતાના મઢની પદયાત્રાનો મહિમા ચોમેર વિસ્તરી ચૂક્યો છે. એક સમયે નાના પાયે અને વધુ કષ્ટ વેઠીને થતી પદયાત્રા આજે વિશાળ માનવપ્રવાહમાં પરિવર્તિત થઇ ચૂકી છે. દર વર્ષે દેશના દૂર દૂરના વિસ્તારમાંથી માઇભક્તો `જય માતાજી'ના ઘોષ સાથે ઊમટતા થયા છે. લાખો લોકો પગપાળા હોય...સંઘ સ્વરૂપે કે પરિવાર સાથે હોય... કોઇ કાર કે બસમાં આવે... જુવાનિયા ટુ વ્હીલરમાં હોય... ક્યાંક નાનાં બાળકને ઝોળીમાં ઝુલાવીને લહેરથી આગળ ધપતો પરિવાર જોવા મળે. કોઇ જમીન પર લેટતાં લેટતાં આગળ ધપે... પોતાની પંગુતાને અવગણીને  સેંકડો વિકલાંગ ચાલતાં કે  ત્રિચક્રી સાઇકલ પર આત્મબળે દેશદેવીના દરબારમાં શીશ ઝુકાવવા પહોંચી જાય છે. માતાજીની આરાધનામાં સેવાની ભક્તિની સુગંધ આશાપુરી ધૂપ જેવી સોડમ આપે છે. વિશાળ વર્ગ છે, જે સેવા કેમ્પો લગાડીને પદયાત્રીઓની સુખ - સુવિધા સાચવે છે. આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન કોમીએકતાની મિશાલ જોવા મળે છે. કચ્છની આ જ તો તાસીર છે. અનેક દુષ્પ્રયાસ અને ઉધામા છતાં આપણા ભાઇચારા અને ઐક્યનાં તંતુ હજુ મજબૂત રીતે જોડાયેલા છે. માતાના મઢનું ભવ્ય મંદિર આજે શ્રદ્ધાળુ અને ભક્તિનું મોટું ધામ બની રહ્યું છે. કચ્છનાં ધણિયાણી આશાપુરાનું સ્વરૂપ અનોખું છે, એવી જ નોખી અહીંની પરંપરા છે. દરરોજ વહેલી આરતી અને સંધ્યાઆરતી વખતે મુસ્લિમ લંઘા પરિવાર ઢોલ - શરણાઇ વગાડે છે. આમદ ઉસ્તાદભાઇને મળીએ ત્યારે `જય માતાજી'થી વાતની શરૂઆત કરે... તેમનો આખો પરિવાર માતાજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. માતાના મઢ મંદિર પરિસરનું સ્વરૂપ હવે બદલી ગયું છે. કરોડોના ખર્ચે વિકાસ થઇ રહ્યો છે. બાહ્ય માળખાંમાં ભલે ફેરફાર થાય, પણ અહીંની મૂળ પરંપરા આજે પણ યથાવત રહી છે. માતાના મઢમાં નવરાત્રિ પ્રસંગે બે મુખ્ય વિધિ થાય છે, તે બંને વિશિષ્ટ છે અને બંનેમાં લોક્માંગલ્યની ઉદાત્ત ભાવનાનાં દર્શન થાય છે. ઈતિહાસવિદ્ ઉમિયાશંકર અજાણીએ આ વિશે નોંધ્યું છે કે બીજે બધે નવરાત્રિની પૂર્ણાહુતિના હવન આઠમના થાય, જ્યારે માતાના મઢમાં (ઉપરાંત ભુજ આશાપુરા મંદિરે) સાતમના મધ્યરાત્રિએ થાય છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે રાજાબાવા હવન કરાવે છે. બીજે દિવસે આઠમની સવારે કચ્છના મહારાવ (હવે તેમના પ્રતિનિધિ) માતાજીને જાતર ચડાવે અને જીવમાત્રની સુખાકારી માટે માતાજી સન્મુખ ખોળો પાથરીને અરદાશ કરે છે. આને `પતરીવિધિ' તરીકે સામાન્ય ભાવિકો ઓળખે છે. ડુંગરોમાં થતી એક સુગંધિત વનસ્પતિનો પતરી માટે ઉપયોગ થાય છે. માતાજીની મૂર્તિની જમણી ભુજા ઉપર પતરીનો ગુચ્છો સિંદૂરમાં ચોંટાડી દેવાય છે. ઘંટારવ સાથે ડાક વાગવા માંડે, ભૂવા દુહા - છંદ ને શ્લોક બોલવા માંડે... એક ઘેરો ગંભીર નાદ મંદિરનાં ગર્ભગૃહમાં ઘૂમરાવા માંડે. વાતાવરણમાં જીવંતતા વર્તાય... મૂર્તિની સામે ઊભેલા રાજપરિવારના પ્રતિનિધિ ખભે રાખેલા ખેસ - પછેડીના છેડા પકડીને મા સામે ખોળો પાથરે છે. શ્રદ્ધાળુઓ કહે છે, સાચા અંતરથી માને અરદાશ થાય અને માતાજીની જમણી ભુજા પરથી પતરીનો કેટલોક ભાગ પડે એટલે માતાજીનો જય જયકાર ગૂંજી ઊઠે. ભુજ આશાપુરા મંદિરે પણ આ વિધિ રાજપરિવાર દ્વારા થાય છે. કચ્છની શક્તિપીઠો અને બીજાં યાત્રાધામો પ્રવાસનનું મોટું આકર્ષણ છે. પદયાત્રાનો પ્રવાહ અલબત્ત, ધાર્મિક ટૂરિઝમ તરીકે ન ખપાવી શકાય. મા આશાપુરાનાં દર્શન કરવાની મનસા સાથે દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓમાં મોટો વર્ગ પદયાત્રીનો હોય છે, જેઓ પદયાત્રા પૂરી થયા પછી ભાવવિભોર થઇને ઉતાવળે ઘરે પહોંચતા હોય છે. હા, વાહન દ્વારા આવનારા શ્રદ્ધાળુઓ શાપિંગ માટે ભુજ કે અન્યત્ર જતા હોય ખરા. દેશદેવીનો મહિમા વધતો ચાલ્યો છે. - નમો આદિ અનાદિ, તૂ હી મા ભવાની, તૂ હી જોગમાયા, તૂ હી બાકબાની... આઈ આશાપુરાનાં દિવ્ય પ્રાગટ્યને વંદીને નવરાત્રિના શુભ અવસરે સમગ્ર કચ્છ અને રાષ્ટ્રનાં સદા - સર્વર્થા કલ્યાણની કામના કરીએ. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd