ભુજ, તા. 10 : અશ્વિન નવરાત્રિ દરમ્યાન આસ્થાના
સ્થાન દેશદેવી આશાપુરા માતાજી -માતાના મઢના દર્શન કરવા દક્ષિણ ગુજરાતના વલસાડ, બિલીમોરા, વાપી,
ભરૂચ, કોસાંબા, સુરત,
નવસારી સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઇભક્તો રેલવે માર્ગે પ્રથમ
ભુજ સ્ટેશને ઊતરીને આગળ યાત્રા પગપાળા કરતા જોવા મળે છે. વલસાડના યાત્રિક ધીરજ વ્યાસે
જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં આશાપુરા માતાજીનો મહિમા ખૂબ
જ વધી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મોટા શહેરો તથા તાલુકામાં આશાપુરા માતાજીના ભવ્ય
મંદિરોના નિર્માણ થાય છે. વલસાડના વિખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિરની સમીપે આશાપુરા માતાજીનું
કલાત્મક વિશાળ મંદિર આકાર પામ્યું છે. અહીં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા થયા
છે. મુંબઇ-મહારાષ્ટ્ર બાજુથી આવતા પદયાત્રિકો અને સાઇકલ સવાર યાત્રિકો માટે દક્ષિણ
ગુજરાતમાં ગુજરાતી-કચ્છીઓ દ્વારા હાઇવે માર્ગ પર મોટા મોટા સેવા કેમ્પ લગાડવામાં આવે
છે. ત્યાં ભોજન પ્રસાદ, આરામા, આરોગ્ય મોબાઇલ
રિચાર્જ સહિતની સુવિધા યાત્રિકો માટે ઉપલબ્ધ કરાય છે. પુરોહિત ઢાબા નામનું સેવા કેમ્પ
આ વિસ્તારનું સૌથી જૂનો કેમ્પ છે. અહીં યાત્રિકોને માન-સન્માનથી આવકારવામાં આવે છે.
ભુજના રેલવે મથકે માતાના મઢની યાત્ર લઇને લોકોની ભીડ જોવા મળી રહી છે. મુસાફરોને મંતવ્ય
સ્થાને પહોંચાડવા પેસેન્જર વાહનમાલિકોની સારી કમાણી થાય છે. ખાસ કરીને મુંબઇ બાજુથી
આવતી તમામ ટ્રેનો હાઉસફુલ જોવા મળે છે. સ્ટેશન જય માતાજીના નાદથી ગૂંજી ઊઠે છે.