નવી દિલ્હી, તા. 10 : દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના
ડાબોડી બેટર મેટ રેનશોએ સંકટમોચકની ભૂમિકા ભજવી યાદગાર સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં
લગભગ એક દાયકા એટલે કે 3,506 દિવસના લાંબા
અંતરાલ બાદ રેનશોના બેટમાંથી આ સદી નીકળી છે. મુશ્કેલ પરિસ્થિતિમાં રમાયેલી આ લડાયક
ઈનિંગના દમ પર કાંગારૂ ટીમે લંચ સુધીમાં મેચ પર પકડ મજબૂત કરી લીધી છે અને પોતાનો સ્કોર
300 રનને પાર પહોંચાડવામાં સફળતા
મેળવી છે. પ્રથમ દિવસના છ વિકેટે 187 રનના સ્કોરથી આગળ રમતા ઓસ્ટ્રેલિયાને રેનશો અને સુકાની પેટ કમિન્સ
વચ્ચેની મક્કમ ભાગીદારીથી સંજીવની મળી હતી. બંનેએ સાતમી વિકેટ માટે 86 મૂલ્યવાન રન જોડીને યજમાન ટીમના
બોલરોને હંફાવ્યા હતા. કેપ્ટન કમિન્સે અડધી સદી ચૂક્યો હતો. બાદમાં અનુભવી સ્પિનર નાથન
લાયને રેનશો સાથે છેડો સાચવી રાખીને ઉત્તમ સાથ આપ્યો હતો. આ રેનશોના ટેસ્ટ કરિયરની
માત્ર બીજી સદી છે. અગાઉ તેણે છેલ્લે વર્ષ 2017માં પાકિસ્તાન સામે સદી નોંધાવી હતી.