• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

ભુજનું આશાપુરા મંદિર 471 વર્ષના ઈતિહાસનું સાક્ષી

ભુજ, તા. 10 : કચ્છના રાઓશ્રી ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના વિ.સં. 1605માં કરી, ત્યારબાદ મોરબીમાં વિજય અપાવનાર દીવાન રૂઘા જોશીને ભુજ આશાપુરા મંદિરનું નિર્માણકાર્ય સોંપતાં વિ.સં. 1610માં આ મંદિર નિર્માણ પામ્યું હતું. રાવ ખેંગારજી પહેલાને આશીર્વાદમાં મળેલી સંવત 1555 પોષ વદ સાતમના પંચધાતુની મૂર્તિને આધાર રાખી - આશાપુરા માતાજીની મૂર્તિ બનાવવામાં આવી. આજે પણ આ અસલ મૂર્તિ નિજમંદિરમાં બિરાજમાન છે જેની પણ રોજ પૂજા થાય છે. મંદિરમાં માતાજીની જમણી બાજુ પ્રજ્વલિત કરેલી અખંડ જ્યોત 471 વર્ષથી અવિરત ચાલુ છે. ગોઝારા ભૂકંપમાં પણ મંદિરને નુકસાન થવા છતાં માતાજીની હાજરી સ્વરૂપે અખંડ જ્યોત ચાલુ રહી હતી. વિ.સં. 1785માં ભુજિયા ડુંગર ઉપર કિલ્લો બનાવવામાં આવ્યો અને તેવા જ સમયે અમદાવાદના બાદશાહ શેરબુંલંદખાને ચડાઈ કરી. યુદ્ધ થયું ત્યારે રાઓશ્રી દેશળજીએ મા આશાપુરાની ચામર પૂજા અને પતરીપૂજાની પ્રતિજ્ઞા લીધી હતી. યુદ્ધમાં વિજય થયો ત્યારથી ચામર પુજા માતાના મઢ અને ભુજ આશાપુરા મંદિર મધ્યે રાજપરિવાર દ્વારા કરવામાં આવે છે. હાલમાં મંદિરમાં બે મૂર્તિઓ બિરાજમાન છે. ઐતિહાસિક ઘટના મુજબ રાઓશ્રી રાયધણજી બીજા (વિ.સં. 1835-1870)માં વિધર્મના પ્રભાવમાં આવતાં મંદિરમાં નુકસાન કરવાનો મનસૂબો રચ્યો, પણ સફળ થયો નહીં. એક મૂર્તિ સલામત રાખવામાં આવી અને તે સમયે અંજારનાં દીવાન મેઘજી શેઠ અને ભાયાતો ભેગા થઈ રાઓશ્રીને નજરકેદ કર્યા અને ત્યારે બીજી મૂર્તિની સ્થાપના કરી. મંદિરનાં સભામંડપમાં `દશ મહાવિદ્યાના' અતિ પ્રાચીન સ્વરૂપો બિરાજમાન છે. મહારાઓ પ્રાગમલજી ત્રીજાએ મંદિરનો વિકાસ કરવા અનુમતિ આપ્યા બાદ ઈ.સ. 1987માં મંદિર નિર્માણ થયું હતું. મંદિરમાં પહેલાં `કાપડી' સેવાપૂજા સંભાળતા હતા. મંદિર ખંડેર પરિસ્થિતિમાં હતું ત્યારે મહારાઓશ્રી વિજયરાજજીએ જે-તે સમયે લક્ષ્મીનારાયણ મંદિરની પૂજા કરતા ખરાશંકર દવેને આ મંદિરની સેવા સોંપી ત્યારે આસો સુદ આઠમના પાડાની બલી ચડાવવામાં આવતી, તે સમયે ખરાશંકર દવેએ આ પ્રથા બંધ કરવા વિનંતી કરી અને વિ.સં. 1999માં આ પ્રથા બંધ કરવામાં આવી હતી. એ જ ખરાશંકર દવેનો પરિવાર - તેમના બે પુત્ર અનંતરાય અને પ્રમોદચંદ્રએ સંભાળેલી, ત્યારબાદ તેમના પુત્ર જનાર્દન અને પરપોત્રા પૂજારી કવચ અને મારુત સેવા સંભાળે છે. મંદિરમાં ચાર નવરાત્રિ ઉત્સવ, અન્નકૂટ, શરદપૂનમ, પાટોત્સવ- મહાયજ્ઞ વિ. ઊજવવામાં આવે છે. માતાજીનાં વિવિધ શણગાર ફૂલોથી સજાવવામાં આવે છે. આ મંદિર 471 વર્ષના ઈતિહાસનું સાક્ષી છે. અનેક ચડતી-પડતી જોઈ છે.  આ ભવ્ય મંદિર કચ્છની - દેશની આસ્થાનું સ્થાન ધરાવે છે. આજે નામદાર મહારાણી પ્રીતિદેવી સાહેબા રાજપરંપરાની બધી પૂજા-અર્ચનવિધિ સંભાળે છે. મંદિરમાં સો વર્ષથી ચાલતો મહિલા સત્સંગ અને આસો નવરાત્રિમાં નોબતના તાલે  છંદ અને ગરબાની પરંપરા આજે પણ ચાલે છે. વિશેષમાં હાલ આસો નવરાત્રિ ચાલુ છે. મંદિરમાં માના ભક્તોનો પ્રવાહ સવારથી રાત્રિ સુધી ચાલુ છે. ઉત્સવને ધ્યાનમાં રાખી મંદિરનો સમય : સવારે : 5:30થી બપોરે 1 કલાક અને સાંજે 4:30થી રાત્રે : 10:30 કલાક સુધી ભક્તો દર્શન કરી શકાશે. જ્યારે મંગળા આરતી સવારે 6:15 કલાકે અને સાયં આરતી રાત્રે 8:15 કલાકે થશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd