ભુજ, તા. 10 : માતાના મઢ દર્શનાર્થે આવતા
યાત્રિકોને બે જુદા-જુદા નડેલા અકસ્માતમાં બેના જીવનદીપ બુઝાયા છે. તા. 7-10ના માતાના મઢનાં દર્શન કરી
ટુ-વ્હીલરથી પરત મોરબી જતા ગ્રુપની એક એક્ટિવાને ધાણેટી પાસે ટ્રકે અડફેટે લઇ લેતાં
એક્ટિવા પાછળ બેઠેલી 23 વર્ષીય યુવાન
પરિણીતા બીનલબેન દીપકભાઇ મિયાત્રા ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં કમકામાટીભર્યું મોત થયું
હતું. જ્યારે બીજી તરફ જામનગરથી બાઇકથી નીકળેલા બાવન વર્ષીય આધેડ છગનભાઇ મેઘજીભાઇ બારિયાની
બાઇક તા. 8-10ના ભુજોડી પાસે સ્લીપ થતાં
માથાંમાં ગંભીર ઇજાનાં પગલે તેમનું મોત નીપજ્યું હતું. ગઇકાલે પદ્ધર પોલીસ મથકે મોરબી
રહેતા રિક્ષાચાલક એવા દીપકભાઇ હેમરાજભાઇ મિયાત્રાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના સાળી-સાઢુ
તથા અન્યો પોતાના ટુ-વ્હીલર મારફત માતાના મઢ દર્શને ગયા હતા. જેમાં તેમની પત્ની બીનલબેન
અને પુત્ર રાજ (ઉ.વ.3) પણ ગયા હતા.
તા. 7-10ના રાત્રે ફરિયાદી દીપકભાઇને
તેમના સાઢુ ચેતનભાઇનો ફોન આવ્યો હતો અને આ કરુણ અકસ્માતની વિગતો આપી હતી. ફરિયાદીના
એક્ટિવા નં જી.જે.-36-બી.સી.-8121વાળું સાહેદ કેવીનભાઇ મહેતા
ચલાવતા હતા અને તેમની પાછળ ફરિયાદીના પત્ની બીનલબેન અને પુત્ર રાજ હતા. આ ગ્રુપના તમામ
લોકો ટુ-વ્હીલરથી માતાના મઢ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ધાણેટી પાસે આ એક્ટિવાને
ટ્રક નં. જી.જે. -12-સી.વી.-8776વાળીએ ઓવરટેક કરી અને ડાબી
બાજુ દબાવતાં ત્રણે પડી ગયા હતા. બીલનેબન પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. કેવીનને
છોલછાંભ જેવી ઇજા થઇ હતી અને રાજનો આબાદ બચાવ થયો છે. ગંભીર રીતે ઘાયલ બીનલને 108 મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાતાં ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો
દાખલ કરી તજવીજ આદરી છે. બીજી તરફ જામનગરના નાગેશ્વર ગામથી આધેડ છગનભાઇ બારિયા અને
તેના પત્ની મંગુબેન બાઇકથી માતાના મઢ દર્શન કરવા માટે નીકળ્યા હતા. તા. 8-10ના બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં
ભુજોડી પાસે પહોંચ્યા ત્યારે બાઇક સ્લીપ થતાં છગનભાઇને માથાંના ભાગે ગંભીર ઇજા થઇ હતી
આથી તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત
જાહેર કર્યાની વિગતો પત્ની મંગુબેને હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવી હતી.