કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 10 : ભુજ-અંજાર
હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી છે, તેવામાં કુકમા ટોલપ્લાઝા પાસે ટ્રાફિકના પગલે કલાકો સુધી વાહનો અટવાયાં હતાં.
કુકમા ટોલપ્લાઝા નજીક વારંવાર સર્જાતા ટ્રાફિકજામની સમસ્યાથી વાહનચાલકો ત્રસ્ત બન્યા
છે. ટ્રાફિકજામ સર્જાતાં વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને વાહનચાલકોનો સમય બગડે
છે. બીજી તરફ શેખપીર ચોકડી નજીક ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરીને કારણે પણ વારંવાર
ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. બંને સ્થળે ટ્રાફિકજામની સમસ્યાથી સ્થાનિક લોકો,
બહારગામથી આવતા પ્રવાસીઓ, સ્થાનિક મુસાફરો અને
નોકરિયાત વર્ગ તોબા પોકારી ઊઠયો છે. કુકમા ટોલપ્લાઝાથી રેલડી ફાટક સુધીના માર્ગ પર
ટ્રાફિકનું ભારણ વધતાં વાહનોની ગતિ ધીમી પડી જાય છે અને બંને તરફ વાહનોની લાંબી કતારો
લાગી જાય છે. સામાન્ય દિવસોમાં ગણતરીની મિનિટોમાં પસાર થઈ શકાય તેવા અંતરને કાપવામાં
ટ્રાફિકજામના કારણે ઘણો વધુ સમય લાગી રહ્યો છે. આ માર્ગ પર વારંવાર સર્જાતી ટ્રાફિકની
સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. શેખપીર ચોકડી નજીક
ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરીને કારણે પણ વાહનવ્યવહાર વારંવાર ખોરવાઈ રહ્યો છે. છાશવારે
ટ્રાફિકજામના કારણે ઈમર્જન્સી એમ્બ્યુલન્સ, સરકારી, ખાનગી બસ સહિતના વાહનો કલાકો સુધી અટવાઈ જાય છે, વારંવારની
આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોમાંથી ઊઠી
રહી છે.