ભચાઉ/રાપર, તા. 10 : રાપર તાલુકાના નીલપર ગામે આવેલ
ગ્રામ સ્વરાજ સંઘ સંસ્થાના છાત્રાલયમાં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીરા પર આચરવામાં આવેલા
ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં સેશન્સ કોર્ટ-ભચાઉ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો
છે. આ ગુનામાં બનાવ છુપાવવા, મદદગારી
કરવા અને ભોગ બનનારના પરિવારને ધાક-ધમકી આપવાના આરોપ હેઠળ સંડોવાયેલા સંસ્થાના બે ટ્રસ્ટી
તથા ગૃહમાતાની આગોતરા જામીન અરજી કોર્ટે સખત વલણ અપનાવી નામંજૂર કરી દીધી છે. નીલપર
ખાતે આવેલ ગ્રામ સ્વરાજ સંઘ સંસ્થાની શાળા અને છાત્રાલયમાં અભ્યાસ કરતી સગીરા સાથે
સંસ્થાના આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલ દ્વારા અવારનવાર શારીરિક છેડતી તેમજ દુષ્કર્મ
આચરવામાં આવ્યું હતું. આ બાબતે સગીરાએ છાત્રાલયની ગૃહમાતા પૂજાબેન ગોહિલને જાણ કરતાં
તેણીએ વાત દબાવી રાખવા દબાણ કહ્યું હતું. બાદમાં પરિવારજનો રજૂઆત કરવા જતાં સંસ્થાના
ટ્રસ્ટી દિનેશભાઇ મણિલાલ સંઘવી તથા અનિરુદ્ધાસિંહ જાડેજા દ્વારા પોલીસ ફરિયાદ ન કરવા
ધાક-ધમકી આપવામાં આવી હતી, જેથી રાપર પોલીસ મથકે બીએનએસ તથા પોક્સો
એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ધરપકડથી બચવા માટે આરોપી પૂજાબેન
ગોહિલ (ગૃહમાતા), દિનેશભાઇ મણિલાલ સંઘવી (ટ્રસ્ટી/ સંચાલક) અને
અનિરુદ્ધાસિંહ જાડેજા (ટ્રસ્ટી/સંચાલક) દ્વારા સેશન્સ કોર્ટ-ભચાઉ સમક્ષ આગોતરા જામીન
મેળવવા અરજી કરવામાં આવી હતી.
જે અરજી ફરિયાદ પક્ષની દલીલોના કારણે નામંજૂર કરવામાં આવી છે. આ કેસની સુનાવણી
દરમિયાન સરકાર તરફે ડી.એસ. જાડેજા તેમજ મૂળ ફરિયાદી પક્ષે એડવોકેટ કોમલ ડી. જેઠવા,
અમરાસિંહ આર., આકાશ જી. મકવાણા, સુરેશકુમાર આર. મકવાણા, નાગજીભાઈ પીરાણા, ક્રિષ્ના વી. મકવાણા તેમજ અન્ય સાથી વકીલમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.