• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

મોદીવિરોધી મોરચામાં મતભેદ અને વિશ્વાસનો અભાવ

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : જ્ઞાનેશકુમાર અને મોદી સરકારને હટાવવાની માગણી વિરોધી પક્ષોની હોવા છતાં મોદીવિરોધી મોરચામાં એકતા નથી - વાસ્તવમાં પરસ્પર વિશ્વાસનો જ અભાવ છે. કાકરોચ પાર્ટી મોદીવિરોધી જ છે, પણ પરોક્ષ પડકાર  કોંગ્રેસને છે ! આ ઉપરાંત, માયાવતી, મમતા તથા ડાબેરી પક્ષો ફોટા પાડવામાં રાહુલ ગાંધી સાથે ઊભા રહે છે, પણ સહકાર કોકરોચ પાર્ટીને આપે છે ! આ મનભેદ જાહેર જનતાની નજર સામે છે. યુવાવર્ગ અને વિદ્યાર્થીઓ રાહુલ ગાંધીથી દૂર જઈ રહ્યા છે અને કોકરોચ પાર્ટીની નજીક જઈ રહ્યા છે - રાહુલ ગાંધી માટે આ ચિંતાનો વિષય છે. મોદીના વિકલ્પ બનવું છે, પણ વિપક્ષની એકતા છે ખરી ? ચૂંટણી થાય અને પરિણામ આવે તે પહેલાં ભવિષ્યની ખાતરી હોવી જોઈએ - તો પછી કોકરોચને મનાવી શકાશે ? કોકરોચની પાછળ કેજરીવાલનું ભેજું છે અને સત્તા મળે નહીં તો દેશભરમાં અરાજક્તા ફેલાવવાની વિચારધારા છે. રાહુલ ગાંધી અત્યારે ચૂંટણી કમિશનર સામેનાં વિરોધ આંદોલનનાં કેન્દ્રમાં છે. સમગ્ર આંદોલન એમનાં જ નેતૃત્વમાં ચાલી રહ્યું છે, તેથી કોંગ્રેસ પાર્ટી અને `એક જ નેતા રાહુલ ગાંધી' હોવાની છાપ સમગ્ર દેશમાં પડી છે. આંદોલનના આરંભમાં મમતા બેનરજીએ જાહેર કર્યું કે `રાહુલ ગાંધી એકમાત્ર વડાપ્રધાનપદના ઉમેદવાર કે દાવેદાર છે અને અમને (અર્થાત્ તમામ વિપક્ષોને) વાંધો - વિરોધ નથી, ત્યારે કોંગ્રેસના (હંગામી) પ્રમુખ ખડગેએ સ્પષ્ટતા કરી કે આ લડાઈ વડાપ્રધાનપદ અથવા સત્તા માટે નથી. આંદોલન `ન્યાય' માટે છે. આ `સ્પષ્ટતા' કરવામાં આવી, જેથી વિપક્ષી છાવણીમાં વડાપ્રધાન બનવાનાં દીવાસ્વપ્ન જોઈ રહેલા નેતાઓ વિદ્રોહ કરે નહીં. જો કે, `સ્પષ્ટતા' કોઈ અભયવચન અથવા ભીષ્મપ્રતિજ્ઞા નથી. રાજકારણ - સત્તાકેન્દ્રી છે - કોઈ નેતા સાધુ - સંત નથી અને બનવા માગતા પણ નથી. વાસ્તવમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીને અન્ય `પ્રતિસ્પર્ધી' નેતાઓ ઉપર ભરોસો નથી અને અન્ય નેતાઓને રાહુલ તથા કોંગ્રેસ ઉપર પણ ભરોસો નથી. વિપક્ષો ચૂંટણીપંચ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવા ભેગા થયા છે, પણ આ સગવડિયા ધર્મ જેવી સમજૂતી છે. વિશ્વાસનો અભાવ છે : સૌ કોઈ એકબીજાંનો તથા કોંગ્રેસનો ઉપયોગ કરે છે ! રાહુલ ગાંધી પહેલા દિવસથી જ વિપક્ષી એકતા ઉપર ભાર મૂકી રહ્યા છે. આમ છતાં પોતાનો વ્યૂહ - રણનીતિ ખાનગી - ગુપ્ત રાખી રહ્યા છે ! પેપર લીક વિરોધી આંદોલન શરૂ થયું અને અભિજિત દીપકે અમેરિકાનાં આસમાનથી જંતર - મંતરમાં ટપકી પડયા ત્યારે જ રાહુલ ગાંધીના સલાહકારો ચોંકી ઊઠયા હતા અને અરવિંદ કેજરીવાલનો હાથ હોવાનું જણાયું હતું, તેથી રાહુલ અળગા રહ્યા અને અચાનક સંસદ ભવન અને પછી વડાપ્રધાનનાં નિવાસસ્થાને કૂચ કરવાનો નિર્ણય લેવાયો. કોઈ એડવાન્સ જાહેરાત કરી નહીં. કેજરીવાલ વિદ્યાર્થી આંદોલન `હાઈજેક' કરવાની કોંગ્રેસની `ચાલબાજી' હોવાથી જોડાયા નહીં. વડાપ્રધાનનાં નિવાસસ્થાન બહાર રાહુલે ધરણાં કર્યાં - જમીન ઉપર બેસી ગયા. આખરે પોલીસનાં નાકે દમ આવ્યો, પણ આ અપવાદ નહીં. વ્યૂહ છે અને તેની શરૂઆત એમનાં દાદી - ઈન્દિરા ગાંધીએ કરી હતી. 1977માં જનતા પાર્ટીને બહુમતી મળી. સરકાર આવી તે પછી ઈમર્જન્સીમાં સત્તાનો ઘોર દુરુપયોગ કરવા બદલ લોકસભાએ ઈન્દિરાજીને પદભ્રષ્ટ  કર્યાં : સભ્યપદ રદ કર્યું, ત્યારે ઈન્દિરા ગાંધીએ ગૃહ - લોકસભામાં ધરણાં - (સત્યાગ્રહ કે સત્તાગ્રહ ?) કરીને બેસી રહ્યાં. આ લખનાર આ ઘટનાનો સાક્ષી છે - કહેવાતા કોંગ્રેસ કાર્યકરો સંસદ ભવનના રક્ષકોને હડસેલીને સીધા લોકસભાની અંદર પ્રવેશ્યા. ઈન્દિરાજી માટે કોફી લાવવામાં આવી. ગૃહમાં સ્પીકરનાં સિંહાસન ઉપર બેસીને કોંગ્રેસી નેતાએ તત્કાલીન સ્પીકર - સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કે.એસ. હેગડેની મિમિક્રી કરીને ચાળા પાડયા ! સૌનું `મનોરંજન' થયું ! સંવિધાન અને સંસ્થાઓનું અવમૂલ્યન - ઠેકડી ઉડાવવાની શરૂઆત તો ત્યારે જ શરૂ થઈ હતી. આજે જે થઈ રહ્યું છે તેની `નવાઈ' નથી ! રાહુલ ગાંધીએ ગયા શનિવારે એમના પક્ષની બેઠકમાં કહ્યું હતું. આપણે આંદોલનમાં વ્યૂહ ગુપ્ત, ખાનગી રાખીને સૌને આશ્ચર્યમૂઢ બનાવી દેવા જોઈએ. (અન્ય પક્ષો ઉપરાંત) પોલીસ અને સરકારને પણ ખ્યાલ આવે નહીં - એવું આશ્ચર્ય - આઘાત આપવો જોઈએ. આ પછી નિર્વાચન ભવન ભણી જવાની કૂચ શરૂ થઈ પોલીસે રોક્યા પછી પ્રિયંકા ગાંધી વડરા રસ્તા ઉપર લેટી ગયાં - કુછ ભી હો મૈં નહીં હટૂંગી ! અને રાહુલ ગાંધી નજીકનાં આકાશવાણી ભવનનો ગેટ ધરાર વટાવીને પછી દીવાલની પાળી ઉપર બેસી ગયા. લાઉડસ્પીકર - પત્રકારો - ફોટોગ્રાફરો તરત ગોઠવાઈ ગયા, પણ પાછલા દરવાજેથી નજીકનાં નિર્વાચન સદન પહોંચવાનો પ્લાન નિષ્ફળ ગયો. બીજા દિવસે જંતર - મંતર જઈ શક્યા નહીં તો જનપથની હોટેલમાં સંસદસભ્યોને ભોજન માટે ખડગેસાહેબે આમંત્ર્યા, પણ સમાજવાદી પાર્ટીના સભ્યોએ બહિષ્કાર કર્યો - એમને આમંત્રણ  નહોતું ! બીજી બાજુ, `આપ' - કેજરીવાલના કાર્યકરોએ જૂની દિલ્હીમાં દેખાવો કર્યા - કોંગ્રેસ કહે છે અમને જણાવ્યું નહતું અને `આપ' ગયા પછી કોંગ્રેસીઓએ ભેગા થઈને સૂત્રો પોકાર્યાં, મન મનાવ્યું ! ગયા ફેબ્રુઆરીમાં અઈં શિખર પરિષદ મળી રહી હતી, ત્યારે કોંગ્રેસી કાર્યકરોએ શર્ટ ઉતારીને ભારતની ગરીબાઈ - દરિદ્રતાનું પ્રદર્શન કર્યું એ પણ પૂર્વયોજિત હતું ! આ વખતે રાહુલે પોલીસના બેરિકેડ ઉપર ચડીને ભાષણ કર્યું. આમ રાહુલનો વ્યૂહ અને આદેશ છે કે દેખાવો ચીલાચાલુ ઢબે કરવાને બદલે નવા કીમિયા અજમાવો...! ચૂંટણી કમિશનરને રૂબરૂ મળીને આવેદનપત્ર આપવાની જાહેરાત થઈ હતી. 1250 જણનાં `પ્રતિનિધિ મંડળ'ને પરવાનગી અપાઈ નહીં. તો માગણી થઈ કે હવે સંસદ ભવનના એનેક્સી - જોડિયાં ભવનમાં આવીને અમારા 240 સાંસદોને મળો ! નિયમ મુજબ મુખ્ય કમિશનર કોઈપણ પ્રતિનિધિ મંડળને નિર્વાચન ભવનમાં જ મળે - સામેથી બહાર જઈને આવેદનપત્ર સ્વીકારાય નહીં. આમ છતાં પંચના ઉચ્ચ અધિકારીને મોકલવાની તૈયારી બતાવી, પણ `આંગણું' વાંકું લાગ્યું રાહુલને ! આવી જ રીતે, રાષ્ટ્રપતિને મળવાની વાત આવી ત્યારે પણ પ્રતિનિધિ મંડળની સંખ્યાનો વિચાર કર્યો નહીં.`ચીલાચાલુ' વિરોધના બદલે નવા કીમિયા અજમાવવાનો વ્યૂહ કોકરોચને પાછળ રાખી દેવાનો છે. કોકરોચ પણ કોઈ `કાચા' નથી. શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી કમિશનર યુવા જેન - ઝીનો મતાધિકાર છીનવી લેવા માગે છે, ત્યારે જ કોકરોચને મુદ્દો મળી ગયો - કોંગ્રેસનાં આંદોલનમાં જોડાવાને બદલે અલગ - મુંબઈમાં અને હવે નવી દિલ્હીમાં આવ્યા - જંતર - મંતર - ટુ એવી જાહેરાત પણ કરી કે કોઈ રાજકીય પક્ષના ભેદભાવ નથી અર્થાત્ કોઈની નેતાગીરી નથી ! તમામ પક્ષોનાં વિદ્યાર્થી સંગઠનોને બોલાવ્યાં - ચલો દિલ્હી. અને જ્યાં સુધી જ્ઞાનેશકુમાર ઉપરાંત મોદી, અમિત શાહ અને મોહન ભાગવતને નહીં હટાવાય ત્યાં સુધી જંતર - મંતરથી હટીશું નહીં ! આમ, વિરોધ પક્ષો વચ્ચે સ્પર્ધા છે, એકતા નહીં. ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ બેઠકો ફાળવવા તૈયાર નથી. પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસે માત્ર બે બેઠક જીતી હતી. હવે 200 માગે છે ! નવી દિલ્હીમાં રાહુલ ગાંધીનાં પ્રદર્શનમાં સમાજવાદી પક્ષના ઝંડા ફરકાવીને રાહુલને `આશ્ચર્ય' આપ્યું !ચૂંટણીપંચનો વિવાદ શરૂ થયો તે પહેલાં પ્રાદેશિક પક્ષોએ ભાજપ અને કોંગ્રેસને બાકાત રાખીને ત્રીજા મોરચાની હિલચાલ શરૂ કરી હતી. કોંગ્રસે દગો કર્યા પછી ડીએમકેના નેતા કની મોંઝીએ મમતા, ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં સુપ્રિયા સુળેનો સંપર્ક કર્યો હતો. ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી થાય છે ત્યારે ત્યાં પણ ઓવાયસી આવી જ હિલચાલ કરી રહ્યા છે. પણ રાહુલ ગાંધીનું આંદોલન અસરકારક અને આક્રમક હોવાથી મમતા અને ઉદ્ધવ ઠાકરેએ રાહુલનો હાથ પકડયો છે ! આ દરમિયાન, જમ્મુ - કાશ્મીરના મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ વોટચોરીના રાહુલના આક્ષેપનો છેદ ઉડાવી દીધો છે : મોદીએ કાંઈક તો કામ કર્યાં છે કે લોકો એમને વોટ આપે છે ! આવું કહ્યા પછી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં જોડાયા...! 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd