• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ ઉપર ડમ્પરે બોલેરોને ટક્કર મારતાં બે શ્રમિકનાં મોત

ગાંધીધામ, તા. 12 : અહીંથી ભચાઉ તરફ જતા ધોરીમાર્ગ ઉપર પૂરઝડપે આવતા ડમ્પરે શ્રમિકોને લઈ જતા બોલેરો પીકઅપ વાહનમાં ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગંભીર ઈજાગ્રસ્ત  બોલેરો  ગાડીમાં બેઠેલા શ્રમિક  અનર્જિત રામચંદ્ર પાસવાન (ઉ.વ. 39) તથા ધર્મેન્દ્ર પાસવાન (ઉ.વ. 30)નું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત 11 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ સાંપડયા હતા. અકસ્માતનો આ બનાવ આજે સવારે 8.30 વાગ્યાના અરસામાં  રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સ્મશાન પુલિયા ઊતરતાં જીનામ પાર્કિંગની સામે રોડ ઉપર બન્યો હતો. પૂરઝડપે બેદરકારીપૂર્વક આવતા ડમ્પર જીજે-12-એઝેડ-9222ના ચાલકે  બોલેરો પીકઅપ વાહન નં. જીજે-39-ટીએ-9850વાળાને ખાલી સાઈડથી પાછળથી ટક્કર મારી  હતી, જેના કારણે બોલેરો ગાડીએ પલટી મારી હતી, જેમાં  અનર્જિત પાસવાનને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેમને બનાવ સ્થળે આંખો મીંચી લીધી હતી.  આ ઉપરાંત   ઈજાગ્રસ્ત ધર્મેન્દ્ર પાસવાનને વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે મોકલાયા હતા, પરંતુ તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવમાં ફરિયાદી વિકી બિશેશર પાસવાનને  પગ કપાઈ જવા સહિતની ઈજાઓ પહોંચી હતી તેમજ  અરવિંદ સાહની, ગણેશ સાહાની, પંકજભાઈ, રાજુ પાસવાન, કલ્યાણ પાસવાન, અજયભાઈ, ધારોલ, અરવિંદ સાધી, મોહનભાઈ સાહની, ધર્મેન્દ્ર યાદવ સહિતનાને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત શ્રમિકોના કલ્પાંતથી કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. ઈજાગ્રસ્ત શ્રમિકો  એ.વી. જોષી કંપનીના જોષીવાડી ગોડાઉનમાં દાળ પેકિંગના કામ માટે  પી.એસ.એલ. કાર્ગોથી  બોલેરો વાહનમાં બેસી નીકળ્યા હતા. દરમ્યાન આ બનાવને લઈને કચ્છ જનરલ મજદૂર સંઘના સંયોજક ડો. શૈલેષ જોષી અને પશ્ચિમ કચ્છના કાર્યકારી પ્રમુખ હસણ સુમરાએ હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્ત શ્રમિકોના ખબરઅંતર પૂછયા હતા. નોંધપાત્ર છે કે, વાગડ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વાહનની ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં મુસાફરોને હકડેઠઠ ભરવામાં આવે છે. એક સાથે થોડું વધારે કમાવી લેવાની લાલચમાં અનેક ઉતારુ વાહનચાલકો આ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. તો બીજી બાજુ સંબંધિત પોલીસતંત્ર અને  આર.ટી.ઓ. વિભાગના જવાબદારો દ્વારા માર્ગ સુરક્ષા અને સલામતીના મુદ્દે અનદેખી કરવામાં આવતી હોવાના આક્ષેપો વખતોવખત ઊઠયા છે. પોલીસે અકસ્માતના મામલે વિધિવત રીતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd