ગાંધીધામ, તા. 13 : શહેરના ભારતનગર વિસ્તારમાં
સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા આરોપીઓએ વેપારી ઉપર ગાડી ચડાવવા સાથે હત્યા નીપજાવવાનો પ્રયાસ
કર્યો હોવાનો મામલો સપાટી ઉપર આવ્યો હતો. ભારતનગર મુખ્ય બજારમાં ધાર્મિક કોમ્પ્લેક્સની
પાસે ગત તા. 12/8ના સાંજે 6.45 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. આ અંગે આઈક્રિમની લારી ચલાવતા
નારાયણલાલ નંદરામ તેલીએ ક્રેટા ગાડી નં. જીજે-12-એફસી-9468ના ચાલક અને તેમા બેઠેલા અન્ય
ઈસમ સહિત બે જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું
કે, ગત તા. 10/8ના ગાડીમાં આવેલા આરોપીઓએ ખાલી
ગ્લાસ આપવા અંગેના મનદુ:ખ મુદ્દે આવીને બબાલ કરી હતી દરમ્યાન ગઈકાલે ફરી આવેલા આરોપીઓએ
ફરિયાદીને ધકબૂશટ તથા છત્રી વડે હુમલો કરી સામાન્ય ઈજા પહોંચાડી હતી. આ બબાલને લઈને
સ્થાનિક વેપારીઓ આવી પહેંચ્યા હતા દરમ્યાન આરોપીઓની ગાડી સામે ઊભેલા વેપારી તિલોકચંદ ઈશ્વરલાલ મંગલાણીએ વાહન રોકાવવાનો પ્રયાસ
કર્યો હતો, પરંતુ આરોપીઓ આ વેપારી
ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત આ વેપારી બાજુમાં હટી જતાં તહોમતદારોએ
ફરિયાદી તથા વેપારીઓને માર મારવાની ધમકી આપી, વાહન પૂરઝડપે ચલાવીને
નાસી છૂટયા હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે. વેપારીની હત્યા નીપજાવવાના પ્રયાસ
મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનામાં સામેલ આરોપી આવેશ(હાજી) સિદિક સુમરા અને સરફરાઝ
મહેબૂબ ચૌહાણની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓને બનાવ સ્થળે લઈને પોલીસે સમગ્ર ઘટનાનું
રિકન્સ્ટક્શન કરાવ્યું હતું. આ બનાવનાં પગલે મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થઈ ગયા
હતા તેમજ પોલીસ મથકે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.