ગાંધીધામ, તા. 29 : અંજારના મેઘપર ગામે પાંચ વર્ષ
અગાઉ પતિ-પિતાને માર મારી અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચાડનારા પત્ની અને પુત્રને અંજારની
કોર્ટે ત્રણ વર્ષની સાદી કેદનો ચુકાદો આપ્યો હતો. મેઘપરમાં રહેનાર ફરિયાદી ઈલિયાસ ઈબ્રાહિક
સોઢા ગત તા. 18/7/2021ના ઘરે મોડા આવ્યા બાદ તેમના
પત્ની શકિનાબેને ગેટને તાળું મારી દેતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં આ મહિલા
અને તેના દીકરા આસિફે આ ફરિયાદીને માર મારતાં તેમને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી.
બનાવ અંગે ફરિયાદ બાદ પોલીસે માતા-પુત્રની અટક કરી હતી અને તેમની સામે અંજારની કોર્ટમાં
ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટમાં કેસ ચાલી ગયા બાદ નવ સાહેદ અને છ દસ્તાવેજી પુરાવા
તપાસી બંને પક્ષને સાંભળીને ન્યાયાધીશ એસ.ડી. ત્રિપાઠીએ માતા-પુત્રને તકસીરવાન ઠેરવ્યા
હતા અને ત્રણ વર્ષની સાદી કેદ તથા રૂા. 10,000નો દંડ ફટકાર્યો હતો તેમજ ભોગ બનનારને રૂા. 10,000 વળતર પેટે આપવા આદેશ કર્યો
હતો. ફરિયાદી વતી સરકારી વકીલ એન.એસ. ઠક્કર હાજર રહી ધારદાર દલીલો કરી હતી.