ભુજ, તા. 29 : ગત તા. 12-7-23ના કચ્છમાં પ્રથમ વખત જાહેર
માર્ગે માધાપર નજીક એસઓજીની ટીમે ગોળીબાર કરીને આ દિલધડક ઓપરેશનમાં પંજાબથી 2.10 કરોડનું હેરોઇન લઇને આવેલા
પાંચ પંજાબના શખ્સને દબોચી લીધા હતા. આ પાંચેય આરોપીને દોષિત જાહેર કરી 10 વર્ષની સખત કેદ અને દરેકને
બે-બે લાખનો દંડ ફટકારતાં ધારદાર ચુકાદો અદાલત દ્વારા અપાયો છે. ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પે. એન.ડી.
પી.એસ. કોર્ટના જજ વી.એ. બુદ્ધે નોંધ્યું હતું કે,
આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે યુવાઓને નશાની ગર્તામાં ધકેલવા સુનિયોજિત
વ્યૂહરચના ઘડીને ગંભીર ગુનો આચર્યો છે. 31 દસ્તાવેજી પુરાવા તથા 10 સાક્ષી તપાસી આરોપીઓ રતજિતસિંઘ જગીરસિંઘ જાટ (શીખ), સરતાજસિંઘ ઉર્ફે સતરાજસિંઘ રસપાલસિંઘ જાટ (શીખ),
દલેરસિંઘ જોગીન્દરસિંઘ જાટ (શીખ), ગુરબેજસિંઘ ઉર્ફે
ભેજા સલવિન્દરસિંઘ જાટ (શીખ) (રહે. તમામ મરગીન્દાપુરા, તા. પટ્ટી,
જિ. તરનતારન, પંજાબ) અને હરમિતસિંઘ જસવિંદરસિંઘ
જાટ (શીખ) (રહે. ગરયાલા, તા.પટ્ટી, જિ.
તરનતારન, પંજાબ)ને દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદ તથા પ્રત્યેક
આરોપીને બે લાખના દંડની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે મુખ્ય જિલ્લા સરકારી
વકીલ એચ.બી. જાડેજા હાજર રહી સાક્ષી તપાસીને દલીલો કરી હતી. આજથી ત્રણ વર્ષ પૂર્વે
માધાપરના જાહેર ધોરીમાર્ગ પર ફિલ્મી સ્ટાઇલથી ફાયરિંગ કરી હાથ ધરાયેલા આ દિલધડક ઓપરેશનના
કેસની સિલસિલાવાર વિગતો મુજબ, જે-તે
સમયે એસઓજીને બાતમી મળી હતી કે, એક-બે કરોડના હેરોઇન વેચવા આવેલા
પંજાબના શખ્સો ગ્રાહક શોધી રહ્યા છે. આથી ટીમે ડમી ગ્રાહક ઊભો કરી છટકું ગોઠવી માધાપરની
એક હોટેલ પાસે આરોપીઓને માલ સાથે બોલાવ્યા, ગાડી ઊભી રાખવા ઇશારો
કરતાં આરોપીઓ પોલીસ હોવાનું પામી જતાં બ્રેઝા ગાડી નં. ડી.એલ.-8-સીએએક્સ- 3263વાળી દોડાવી નાસવાનો પ્રયાસ
કર્યો અને ગાડીને આંતરવા પોલીસે સર્વિસ રિવોલ્વર તેમજ એકે-47 રાયફલથી પાંચ રાઉન્ડ ફાયરિંગ
કરી આરોપીઓની ગાડીના ટાયર પર એક ગોળી લાગતાં ટાયર બર્સ્ટ થતાં ગાડી થંભી હતી. આથી બે
આરોપી કારમાંથી ઊતરી દોડીને નાસ્યા હતા. જ્યારે અન્ય ત્રણને ઘેરો ઘાલી પોલીસે ઝડપી
લીધા હતા. દરમ્યાન નાસેલા બે આરોપીને પણ અન્ય ટીમે પીછો કરી દોઢ કિ.મી.ના અંતરેથી દબોચી લીધા હતા. કારની તલાસીમાં
માદક પદાર્થ હેરોઇનનો 420 ગ્રામ કિં.
રૂા. 2,10,00,000નો જથ્થો મળી આવ્યો હતો. આ
અંગે જે-તે સમયના એસઓજીના પીઆઇ વી.વી. ભોલાએ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.
બાદ તપાસના અંતે ભુજના સર્કલ પીઆઇ આર.એમ. ચૌહાણે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાવી હતી.