• મંગળવાર, 28 જુલાઈ, 2026

ગાંધીધામ રેલ્વે વિસ્તારમાં તસ્કરોનો ત્રાસ : 35 હજારની ચોરી

ગાંધીધામ, તા. 27 : અહીંના રેલ્વે મથક તથા આસપાસના વિસ્તારમાં ગુનાખોરી, ચોરીના બનાવોમમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે જુદા-જુદા શહેરોમાંથી આવતા મુસાફરોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. ગઈકાલે રેલ્વેમથકના બગીચામાં સુઈ રહેલા બે યુવાનોના ખિસ્સામાંથી રૂા. 34,499ની મતાની તસ્કરોએ ચોરી કરી હતી. રેલ્વે મથક અને આસપાસના વિસ્તારમાં બનતા આવા બનાવોથી રેલ્વે પોલીસની પેટ્રોલિંગની નિષ્ફળતા છતી થાય છે. વાવ થરાદમાં રહેનાર ફરિયાદી અવતારસિંહ જોરાની ચૌહાણ ભુજમરાં ખાવડા સ્વીટ સેન્ટરમાં કામ કરે છે. ગઈકાલે તે વતન જવા ગાંધીધામ રેલ્વે મથકે આવ્યો હતો. ત્યાં ટ્રેન મોડી હોવાથી રેલ્વેના બગીચામાં જઈને સાંજે સુઈ ગયો હતો. બે કલાક બાદ જાગીને જોતા મોબાઈલ તથા પર્સ ગુમ જણાયા હતા. તસ્કરોએ તેના મોબાઈલ, રોકડા રૂા. 600, આધારકાર્ડ, એ.ટી.એ. કાર્ડ વગેરે રહેલા પર્સની ચોરી કરી હતી. તે પોતાની આ વસ્તુઓની શોધખોળ કરી રહ્યો હતો ત્યારે બગીચામાં જ ઉંઘેલા રાજકુમાર ગજેન્દ્રસદાની પણ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ યુવાનના મોબાઈલની તસ્કરોએ ચોરી કરી હતી. રૂા. 34,499ની ચોરીના બનાવ અંગે રેલ્વે પોલીસે ફરિયાદ નોંધી હતી. રેલ્વે મથક વિસ્તારમાં તસ્કરો ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર હોવાના આક્ષેપ લોકો કરી રહ્યાં છે. હાલમાં મુસાફર ખાનામાંથી પણ એક મોબાઈલની તસ્કરી થઈ હતી. જ્યારે રેલ્વે પોલીસ આળસ ખંખેરીને કામગીરી કરે તેવી માંગ લોકો કરી રહ્યાં છે.

Panchang

dd