ગાંધીધામ, તા. 27 : ગુજરાતમાં દારૂબંધીના કાગળ
પરના દાવાઓની પોલ ખોલતી વધુ એક ઘટના પૂર્વ કચ્છના ગાગોદર પોલીસ મથક વિસ્તારમાં સામે
આવી છે. સ્થાનિક પોલીસ જ્યારે પોતાના વિસ્તારમાં બધું સલામત હોવાના દાવા કરી રહી હતી, ત્યારે ગાંધીનગર સ્થિત એસ.એમ.સી.ની ટીમે ગુપ્ત
બાતમીના આધારે દરોડો પાડીને ગાગોદર નજીક હોટેલનાં પાર્કિંગમાં ઊભેલી ગાડીમાંથી રૂા.
48,35,736ની 13,500 બોટલ સાથે બે શખ્સને પકડી પાડયા
હતા. ગાગોદર નજીક નાક નીચેથી એસ.એમ.સી.એ અડધા કરોડ જેટલો દારૂ ઝડપી પાડયો હતો, પરંતુ સ્થાનિક પોલીસને આ દારૂ નજરે ચડયો નહોતો.
ગાંધીનગરની ટીમે કાર્યવાહી કરીને આખો ખેલ ઉઘાડો પાડયો હતો. આ બનાવે સ્થાનિક પોલીસના
પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્કની પોલ ખોલી નાખી છે. રાજસ્થાનના બાડમેરથી નીકળેલું
ટ્રેઇલર સાંચોર, ધાનેરા, ડીસા, રાધનપુર થઇને છેક ગાગોદર સુધી પહોંચી ગયું, પણ એક પણ
ચેકપોસ્ટ કે સ્થાનિક પોલીસને તેનો પત્તો લાગ્યો નહોતો. જેના કારણે સ્થાનિક પોલીસે કરવાનું
કામ એસ.એમ.સી.ને કરવું પડયું હતું. આ ટીમની કાર્યવાહીથી સ્થાનિક અધિકારીઓની કામગીરી
સામે પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે. રાજસ્થાનના બાડમેરથી નારાયણ દિયારામ જાટ નામના શખ્સે
દારૂ મોકલાવ્યો હતો. ટ્રેઇલર નંબર જીજે-08-વાય-7835નો ચાલક શ્રવણકુમાર
ધુરા રામજી મેઘવાલ અને ક્લીનર ચેનારામ ડાલીરામ જાટ આ વાહનમાં દારૂ ભરી નીકળ્યા હતા.
ગઇકાલે ગાગોદર નજીક જય ગોગા રાજસ્થાની હોટેલનાં પાર્કિંગમાં વાહન ઊભું રાખી બંને ચા-પાણી
કરવા નીચે ઊતર્યા હતા, તેવામાં બાતમીના
આધારે પોલીસે તેમને ઝડપી લીધા હતા અને વાહન પાછળની તાડપત્રી હટાવતાં અંદરથી દારૂની
પેટીઓ મળી આવી હતી. આ વાહનમાંથી બ્લેન્ડર્સ પ્રાઇડની 750 મિ.લિ.ના 5184 ક્વાર્ટરિયા, રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વના 1344 ક્વાર્ટરિયા, ઓલ સિઝન્સના 5904 ક્વાર્ટરિયા એમ કુલ 13,500 નાની-મોટી બોટલ કિંમત રૂા.
48,35,736નો શરાબ બંને પાસેથી જપ્ત કરી
બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા શ્રવણકુમાર હાલમાં જ તા. 19/7ના પણ આવું વાહન ભરીને દારૂ
અહીં આપી ગયો હતો, તેની આ બીજી
ખેપ હતી દરમ્યાન ઝડપાયો હતો. ટ્રેઇલર સામખિયાળી ટોલ પ્લાઝાથી 200 મીટર આગળ લઇ જઇ ત્યાં ઊભું
રાખવાનું હતું, ત્યાં દારૂ મગાવનારનો માણસ
આવીને જય માતાજી બોલે તો તેને આ દારૂ ભરેલી ગાડી સોંપી દેવાની હતી અને તે ખાલી કરીને
ચાલકને પરત આપવાનો હતો. અગાઉની ખેપમાં પણ આ જ કીમિયો બુટલેગરોએ અપનાવ્યો હતો. તા. 19/7ના આવેલી ગાડી તા. 20/7ના ખાલી કરી આ ચાલકને પરત આપી
દેવામાં આવી હતી. પકડાયેલા ચાલકને એક ખેપના રૂા. 30,000 આપવામાં આવતા હતા. પોલીસે વાહનના નંબરની ખરાઇ કરતાં તેના સાચા
નંબર આરજે-19-જીજે-3940 હોવાનું સામે આવ્યું હતું તથા
વાહનમાલિકનું નામ બાલાજી એન્ટરપ્રાઇઝ પ્રોપરાઇટર
ગિરધારી રામ તરીકે બહાર આવ્યું હતું. એસ.એમ.સી.ની સતર્કતાના કારણે અડધા કરોડનો દારૂ
ઝડપાયો હતો, નહિતર સામખિયાળી ટોલ પ્લાઝા
બાદ આ શરાબ સ્થાનિક બુટલેગરના માણસને સોંપી દેવાનો હતો. પૂર્વ કચ્છમાં બે દિવસમાં એક
કરોડનો દારૂ ઝડપાયો છે. ગઇકાલે બી-ડિવિઝન પોલીસે 51 લાખ ઉપરાંતનો દારૂ પકડી પાડયો
હતો. બે દિવસમાં કરોડોનો દારૂ તો પકડાયો છે, ત્યારે કેટલો કચ્છમાં ઘૂસી ગયો હશે અને કટિંગ થઇને ગંતવ્ય સ્થાન પહોંચી ગયો
હશે તે પ્રશ્ન છે. એસ.એમ.સી.ની આ સફળ કાર્યવાહી બાદ હવે કોની જવાબદારી બેસાડવામાં આવશે
અને કોની વિકેટ પડે છે તે જોવાનું રહ્યું, તેવો ગણગણાટ પોલીસબેડામાં
સાંભળવા મળ્યો હતો.