પાંચ
રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં ઘણું અણધાર્યું જોવા મળ્યું. દેશનો મતદાર હવે
પરિપક્વ બન્યો છે અને બદલાતા સમયને અનુરૂપ જનમત બદલતો થયો છે. સંભવત: એ અનુસાર જ પશ્ચિમ
બંગાળ અને ત્રિપુરા પછી કેરલમ્માં પણ સામ્યવાદીઓને સત્તાની બહાર ફંગોળી દીધા છે. કેરલમ્
ડાબેરીઓની સત્તાનો ધ્વજ ફરફરતો હોય એવો છેલ્લો ગઢ હતો. એક સમયે એ. કે. ગોપાલન, નાંબુદ્રીપાદ, જ્યોતિ બસુ, હરકિશનસિંહ સુરજિત, સોમનાથ ચેટરજી જેવા દિગ્ગજ નેતાઓએ સામ્યવાદી પક્ષનું નેતૃત્વ-પ્રતિનિધિત્વ
કર્યું હતું. સ્વતંત્રતા પછી દોઢ દાયકો સર્વત્ર કોંગ્રેસનું આધિપત્ય. એ પછી એક જુદી
વિચારધારા સક્રિય થઇ જે નેહરુ નીતિની વિરોધી હતી. સમાજવાદને કેન્દ્રસ્થ રાખીને સામ્યવાદી
પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઇ)નો ઉદય થયો. માકર્સવાદીઓએ થોડા જુદા સિદ્ધાંતો સાથે સીપીઆઇ
(એમ) નોખો ચોકો ઊભો કર્યો. એ પછી દેશભરમાં વિશેષ કરીને દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં
ડાબેરીઓએ પગદંડો મજબૂત બનાવ્યો. પશ્ચિમ બંગાળમાં તો 1977થી 2011 સુધી સતત 34 વર્ષ
ડાબેરીનાં નામે સૌથી લાંબો સમય શાસન કરવાનો વિક્રમ છે, પરંતુ દેશમાં ભાજપનો ઉદય અને
વિરોધ પક્ષો સંકોચાવા લાગ્યા એની સાથે ડાબેરી વિચારધારાના સમર્થકો ઘટવા લાગ્યા અને
કેરળમાં હાર સાથે આ મોરચો સત્તાવિહીન થઇ ગયો છે. ડાબેરી મોરચો આંતરવિરોધાભાષથી ગ્રસિત
છે. `ઇન્ડિ' ગઠબંધન (વિપક્ષી મોરચા)માં તેઓ સામેલ છે, પરંતુ કેરળ અને બંગાળમાં કોંગ્રેસ સાથે શત્રુતા છે. કેરળમાં ડાબેરી બે મુદતથી
સત્તામાં હતા, પરંતુ કોંગ્રેસ જ હારનું નિમિત્ત બની. વિપક્ષી
મોરચાની એ વિચિત્રતા છે. ચૂંટણીમાં એકબીજા સામે ગળાકાપ સ્પર્ધા કરતા પક્ષો ભાજપ કે
એડીએના વિરોધની વાત આવે ત્યારે દિલ્હી ખાતેની મિટિંગમાં એક ડિશમાં સાથે ભોજન કરતા હોય
છે. આ બેવડું ચરિત્ર રાજનૈતિક નીતિમત્તાથી વિપરીત છે. એક સમયે ડાબેરી પક્ષો ગરીબ,
શોષિત, મજદૂર, મહેનતકશ વર્ગ
માટેની લડાઇમાં આગળ પડતા રહેતા. હવે લાગે છે કે, તેના આખરી શ્વાસ
ચાલી રહ્યા છે. એક સમયે લોકસભામાં 64 સભ્યોનો આંકડો ડાબેરીઓના નામે હતો. છેલ્લી ત્રણ સંસદીય ચૂંટણીમાં તેમની મતબેંકનું
ધોવાણ થયું... વક્રતા કેવી
? બંગાળમાંથી દેશની સંસદમાં ડાબેરીઓનો એક પણ સભ્ય નથી.વર્તમાન લોકસભામાં
કેરળની એક સહિત કુલ પાંચ બેઠક ડાબેરીઓનાં નામે છે. ડીએમકેની મહેરબાનીથી ચાર બેઠક તામિલનાડુમાં
છે.