ભુજ, તા. 12 : નખત્રાણામાં સોનાના ઘરેણા કિં. રૂા. 2,40,525ની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ છે. મુંબઈથી આવેલા
મામાઈ ભાઈએ ચોરી કર્યાની શંકા ફરિયાદમાં દર્શાવાઈ છે. આ અંગે નખત્રાણા નવાનગરમાં રહેતાં
પલ્લવીબેન દિનેશભાઈ રાજગોરે નખત્રાણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ઘરે કબાટ ન
હોવાથી સોના-ચાંદીનાં ઘરેણા વિમલના થેલામાં કપડાં સાથે રાખ્યાં હતાં. 11/07/25ના વરસાદના કારણે થેલો-કપડા પલળી ગયાં હતાં
અને કપડા સુકાવવા રાખ્યાં હતાં અને દાગીના જોતાં તેમાં 2023માં લીધેલું સોનાનું મંગળસૂત્ર 38.010 ગ્રામ કિં. રૂા. 2,35,525 તથા 2005માં લીધેલી સોનાની વીંટી 10 ગ્રામ કિં. રૂા. 5000 એમ
કુલ રૂા. 2,40,525ના સોનાના મંગળસૂત્ર અને વીંટી જોવા ન મળતાં
શોધખોળ કરી હતી છતાં મળ્યાં નહીં. બાદમાં ફરિયાદીને યાદ આવ્યું કે, તા. 1/7/25થી 7/7/25 સુધી તેમના ઘરે નાનીમા અને તેમનો મામાનો દીકરો ભાઇ
વિજય રાજેન્દ્ર ભટ્ટ (રહે. આંબેવાલી, મુંબઇ) તેમના ઘરે આવ્યા હતા અને દાગીના તે બંનેને બતાવ્યા
હતા. આથી ફરિયાદીએ વિજયને ફોન કરી પૂછયું કે, તમને બતાવેલા દાગીના
મળતા નથી, તેં લીધા હોય તો કહી દે. તેણે જણાવ્યું કે,
મને નોકરીમાં જવામાં મોડું થાય છે, મેં દાગીના
લીધા નથી, કહીને ફોન કાપી નાખ્યો હતો. વિજય પોતાના ઘરે અગાઉ નાની-મોટી
ચોરી કરતો હતો, આથી તેણે દાગીના લીધા હોવાનો શક છે, તેવું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે શકદાર તરીકે વિજયનું નામ લખી ફરિયાદ નોંધી
તપાસ આદરી છે.