• બુધવાર, 13 મે, 2026

કોઠારા પંચાયત દ્વારા 600 એકર ગૌચર જમીન દબાણમુક્ત કરાવાઈ : દબાણ કરનારાઓમાં ફફડાટ

નલિયા, તા. 12 : કોઠારા ગ્રામ પંચાયત દ્વારા ગઈકાલે ભેદી ગામની સીમમાં ગૌચર જમીન પરનાં દબાણો હટાવ્યાં બાદ આજે બીજા દિવસે પણ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રહી હતી. કોઠારા અને ભેદી ગામના સીમાડામાં આવતી અંદાજે 600 એકર જેટલી વિશાળ ગૌચર જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં જેસીબી અને અન્ય સાધનોની મદદથી આ દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. કોઠારા સરપંચના પ્રતિનિધિ ત્રિકમ પરગડુએ જણાવ્યું હતું કે, આ દબાણ હટાવ્યા બાદ જો કોઈ વ્યક્તિ ફરીથી ગૌચર જમીન પર દબાણ કરવાનો પ્રયાસ કરશે તો કોઠારા ગ્રામ પંચાયત દ્વારા તેમની સામે લેન્ડ ગ્રાબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન કોઠારા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી. કે. રાડા, પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ લાલજીભાઈ, મહેન્દ્રભાઈ વિહાભાઈ, નવીનભાઈ નાગરભાઈ, મહેશભાઈ કાંતિભાઈ સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. આ ઉપરાંત, નલિયા વહીવટી તંત્ર વતી રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોઠારા પંચાયતની આ સરાહનીય કામગીરીથી ગૌચર જમીન પર દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પંચાયતના આ નિર્ણયને સ્થાનિક લોકો દ્વારા વ્યાપક સમર્થન મળી રહ્યું છે. 

Panchang

dd